Home Gujarat Gir Somnath District The Story Of The Only Surviving Freedom Fighter

13 વર્ષની વયે દિવની મુક્તિ માટે પ્રતાપરાયની ‘આઝાદી’ છીનવાઈ હતી : ગીર સોમનાથ જિલ્લાના એકમાત્ર જીવિત સ્વાતંત્ર્ય સેનાની કહાની જાણો

13 વર્ષની વયે દિવની મુક્તિ માટે પ્રતાપરાયની ‘આઝાદી’ છીનવાઈ હતી
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 06:47 AM IST

આજે સમગ્ર ભારતવર્ષ ભારતની સ્વતંત્ર થયાનાં 79 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આજે આપણે વાત કરવી છે, એવા સ્વાતંત્ર્ય સેનાનીની કે જેમણે ગુજરાતની સરહદને અડીને આવેલા અને એક સમયે જેના પર પોર્ટુગીઝોનું રાજ હતું તેને મુક્ત કરાવવા માટે નાની વયે જેલવાસ ભોગવ્યો હતો. ઉનાના 90 વર્ષના પ્રતાપરાય છોટાલાલ પાઠકનું 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે ગીરગઢડા ખાતે આયોજિત કાર્યક્રમમાં શાલ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.


13 વર્ષની વયે દિવની મુક્તિ માટે પ્રતાપરાયની ‘આઝાદી’ છીનવાઈ!

17 જુલાઈ, 1937ના રોજ જન્મેલા પ્રતાપરાય પાઠકે દિવ મુક્તિ સંગ્રામમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ જ્યારે ધોરણ 7માં ભણતાં હતાં ત્યારે માત્ર 13 વર્ષની ઉંમરે દિવ મુક્તિ માટેની ચળવળમાં જોડાયાં હતાં. આ ચળવળ દરમિયાન તેમણે પોર્ટુગીઝ શાસન વિરૂદ્ધ જાગૃતિલક્ષી પત્રિકાઓ વહેંચવાની કામગીરી કરી હતી. જસવંત મહેતાની આગેવાની હેઠળ પ્રતાપરાય પાઠક સહિત તેમના સાથીદારો રસિકભાઈ આચાર્ય, ગિરધરભાઈ વાઘેલા, મનુભાઈ જોશી, નવીનભાઈ જોશી અને છેલશંકરભાઈ પાઠક સાથે મળીને દિવના વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. આ પત્રિકાની વહેંચણી કરતાં તેઓ ઝડપાયાં હતાં અને તેમને જેલમાં ધકેલવામાં આવ્યાં હતાં.


ગીર સોમનાથ જિલ્લાના એકમાત્ર જીવિત સ્વાતંત્ર્ય સેનાની

આ જનજાગૃતિ અભિયાન બદલ પ્રતાપરાયે પોલીસનો માર સહન કર્યો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. હાલ, 90 વર્ષની ઉંમરે પ્રતાપરાય પાઠક ગીર સોમનાથ જિલ્લાના એકમાત્ર જીવિત સ્વાતંત્ર્ય સેનાની છે. તેમની આ કામગીરીને બીરદાવતાં રાજ્ય સરકાર દ્વારા તેમને પ્રતિમાસ રૂ. 10,000નું પેન્શન આપી તેમનું યથોચિત સન્માન કરવામાં આવી રહ્યું છે. તેમની આ કામગીરી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ પ્રતાપરાયનું શાલ ઓઢાડી સન્માન કરી ચૂક્યાં છે.


"ઓપરેશન વિજય"

ઉલ્લેખનીય છે કે, દિવ-દમણમાં 19 ડિસેમ્બરે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1961માં ભારત સરકારે "ઓપરેશન વિજય" નામનું લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત દિવ, દમણ અને ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયાં હતાં અને ભારત દેશનો ભાગ બન્યાં હતાં. આજે આપણે જ્યારે સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે શ્રી પ્રતાપરાય જેવા અનેક નામી-અનામી લોકોએ આ દેશને સ્વાતંત્ર ચળવળમાં કોઈને કોઈ રીતે ભાગ લીધો છે. તેઓએ અંગ્રેજોની લાઠીનો માર સહન કર્યો છે, જેલવાસની યાતના ભોગવી છે અને અનેક વિટંબણાઓ વચ્ચે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી ભારતની આઝાદી માટે કર્તવ્યરત રહ્યાં છે. આવા કર્મઠ અને સ્વતંત્રતા માટે ખપી જનાર લોકોને કારણે જ આપણે સ્વતંત્રતાનો શ્વાસ માણી રહ્યા છીએ અને આપણી આઝાદીનો ઉત્સવ આજે ઉજવી રહ્યાં છીએ. આવા શહીદવીરોને કોટી કોટી વંદન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now