Home Gujarat Gir Lion Cubs Death Forest Department Action Mode

ગીરમાં બાળસિંહોના શંકાસ્પદ મોત બાદ વન વિભાગ એલર્ટ : 'ડીટીકિંગ' કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

અર્જુન મોઢવાડિયાની છબી
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: May 29, 2026, 12:20 PM IST

ગીર અને તેની આસપાસના રેવેન્યુ વિસ્તારોમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુના બનાવો સામે આવતા ગુજરાતનો વન વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયો છે. ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલી જિલ્લાના બાબરીયા વિસ્તારને કેન્દ્રમાં રાખીને સિંહોના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર, વન વિભાગ અને વેટરનરી નિષ્ણાતોની ટીમો સતત મેદાનમાં કામગીરી કરી રહી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે.

ગાંધીનગર ખાતે મીડિયાને માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસ દરમિયાન આવી કોઈ નવી ઘટના નોંધાઈ નથી, જેના કારણે પરિસ્થિતિ પર અસરકારક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

'બેબિસીયોસિસ' વાયરસની આશંકા

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર બાળસિંહોના મોત પાછળ ‘બેબિસીયોસિસ’ નામના ચેપજન્ય રોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રોગ સામાન્ય રીતે ‘ઈતરડી’ નામના જંતુ દ્વારા ફેલાતો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતક બાળસિંહોના સેમ્પલ તાત્કાલિક તપાસ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલવામાં આવ્યા છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત તબીબોની ટીમ પણ સમગ્ર મામલે વન વિભાગ સાથે સંકલન કરીને કામ કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા સિંહોની તંદુરસ્તી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ : 30 મે થી 4 જૂન સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

10 કિલોમીટર વિસ્તારમાં સિંહોને આઇસોલેટ

વન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારની આસપાસના અંદાજે 10 કિલોમીટર વિસ્તારમાં વિશેષ સાવચેતીના પગલાં અમલમાં મૂક્યા છે. આ વિસ્તારમાં રહેલા સિંહોને મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે અને જરૂરી હોય ત્યાં તેમને આઇસોલેટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

રોગ વધુ ફેલાય નહીં તે માટે ગીર તેમજ તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ‘ડીટીકિંગ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં સિંહો અને અન્ય પ્રાણીઓમાં રહેલા ઈતરડી જેવા જંતુઓનો નાશ કરવા માટે ખાસ દવાઓ અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગના અધિકારીઓ અનુસાર આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને મેદાનમાં અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.

છેલ્લા એક અઠવાડિયામાં 8 બાળસિંહોના મોત

વન મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં કુલ 8 બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુ નોંધાયા છે. જોકે, મેડિકલ અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાય તેમ છે. ગીરમાં એશિયાટિક સિંહોની સંખ્યા અને તેમની સુરક્ષા દેશ અને દુનિયા માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બાળસિંહોના મૃત્યુના બનાવોએ વન વિભાગ માટે ગંભીર ચિંતાનો વિષય ઉભો કર્યો છે. જો સમયસર નિયંત્રણના પગલાં લેવામાં આવે તો રોગચાળો વધુ ફેલાતો અટકાવી શકાય છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં FABEXA-11 એક્ઝિબિશનનો પ્રારંભ : જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી

મુખ્યમંત્રી અને PMO દ્વારા સીધું મોનિટરિંગ

આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પણ અત્યંત ગંભીરતા દાખવી રહી છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું કાર્યાલય સમગ્ર પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યું છે.આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) પણ સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન આપી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સરકાર દ્વારા જરૂરી હોય ત્યાં પ્રિવેન્ટિવ વેક્સિનેશન સહિતના આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓને મેદાનમાં સતત સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: 'સ્વેચ્છાએ જશો તો બચી જશો, બાકી કાર્યવાહી નક્કી!' : ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયનું 'અલ્ટીમેટમ'

ગીરના સિંહોની સુરક્ષા રાજ્ય માટે પ્રાથમિકતા

ગીર એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે તેઓ હવે રેવેન્યુ વિસ્તારોમાં પણ જોવા મળે છે.

આવા સમયમાં સિંહોના આરોગ્ય અને સુરક્ષા માટે સતત મોનિટરિંગ અને ઝડપી કાર્યવાહી અત્યંત જરૂરી બની ગઈ છે. વન વિભાગે નાગરિકો અને પ્રકૃતિપ્રેમીઓને આશ્વાસન આપ્યું છે કે હાલ ચિંતાજનક સ્થિતિ નથી અને સમગ્ર તંત્ર સંપૂર્ણ સતર્ક છે. વન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને દરેક જરૂરી પગલું લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now