Home Gujarat Gift City Scam Bhumi Patel Arrest Utpal Patel Dubai Deportation

ગિફ્ટ સિટી કૌભાંડ કેસમાં ભૂમિ પટેલ અને ધ્રુવ ચૌધરીની ધરપકડ : ઉત્પલ પટેલને દુબઈથી પરત લાવવાની કવાયત તેજ

ગિફ્ટ સિટી કૌભાંડમાં ઝડપાયેલો ધ્રુવ ચૌધરી
Published by: Chintan Chavda
Last Updated: May 30, 2026, 01:27 PM IST

ગાંધીનગરમાં ચર્ચાસ્પદ બનેલા ગિફ્ટ સિટી કૌભાંડ કેસમાં પોલીસ તપાસ વધુ તેજ બની છે. કેસના મુખ્ય આરોપી ગણાતા ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલ અને ધ્રુવ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને વ્યક્તિઓ કંપનીની રોજિંદી કામગીરી સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હતા. હવે બંનેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમશેટ્ટીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુનો નોંધાયા બાદ મુખ્ય આરોપી ઉત્પલ પટેલ સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલ ભારત પરત ફરતાં એરપોર્ટ પર તેને ડિટેન કરવામાં આવી હતી. બાદમાં ગાંધીનગર પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી હતી.

કંપનીની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા બંને આરોપી

પોલીસના પ્રાથમિક તારણો અનુસાર ધ્રુવ ચૌધરી અને ભૂમિ પટેલ બંને કંપનીની કામગીરી સાથે સંકળાયેલા હતા. એસપીના જણાવ્યા મુજબ ધ્રુવ ચૌધરી ક્યારેક કંપનીમાં બેસતા હતા અને તેમણે લગભગ એક મહિના સુધી કર્મચારી તરીકે પણ કામગીરી કરી હતી.

આ પણ વાંચો: 'તૈયાર રહેજો, વરસાદ હવે દૂર નથી!' : અંબાલાલ પટેલે કરી ભૂક્કા કાઢી નાખતી આગાહી, આ તારીખે ગુજરાતમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ધ્રુવ ચૌધરીએ કંપનીમાંથી આશરે 40 હજાર રૂપિયાનો પગાર પણ મેળવ્યો હતો. ઉપરાંત તેમણે કંપનીમાં લગભગ એક કરોડ રૂપિયાનું વ્યક્તિગત રોકાણ કર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ભૂમિ પટેલ પાસેથી હજુ સુધી મર્યાદિત માહિતી

પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની પૂછપરછમાં ભૂમિ પટેલ પાસેથી કેસ સંબંધિત બહુ મહત્વની નવી માહિતી મળી નથી. જોકે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં હોવાથી વધુ વિગતો મેળવવા માટે પોલીસ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં પહોંચી છે.

તપાસ અધિકારીઓનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન નાણાંકીય વ્યવહારો, કંપનીની આંતરિક કામગીરી અને મુખ્ય આરોપી ઉત્પલ પટેલના સંપર્કો અંગે વધુ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.

આ પણ વાંચો: રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે વિવાદ ગરમાયો : યુવકનો વિરોધીઓને ખુલ્લો પડકાર

દુબઈમાં હોવાની આશંકા, ઉત્પલ પટેલને પરત લાવવાના પ્રયાસો

મુખ્ય આરોપી ઉત્પલ પટેલ હાલમાં વિદેશમાં હોવાનું પોલીસનું માનવું છે. પ્રાથમિક માહિતી મુજબ તેની હાજરી દુબઈમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તેના ચોક્કસ સ્થાન અંગે માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.

એસપી રવી તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે ઉત્પલ પટેલને ભારત પરત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી માટે પ્રથમ તબક્કે તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરવી જરૂરી છે.

ચાર્જશીટ બાદ રેડ કોર્નર નોટિસની કાર્યવાહી

પોલીસના જણાવ્યા મુજબ તપાસને ઝડપથી પૂર્ણ કરીને વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ત્યારબાદ આરોપી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રેડ કોર્નર નોટિસ બહાર પડ્યા બાદ આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદથી ઉત્પલ પટેલને ભારત પરત લાવવાના પ્રયાસોને વધુ ગતિ મળશે. હાલ તપાસ ટીમ નાણાંકીય વ્યવહારો, રોકાણકારોના નિવેદનો અને કંપનીના દસ્તાવેજોની ચકાસણીમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઓટો રિક્ષા ભાડામાં તોતિંગ વધારો! : રિક્ષા યુનિયનનો સરકારની મંજૂરી વગર મોટો નિર્ણય

તપાસના આગામી તબક્કા પર નજર

ગિફ્ટ સિટી કૌભાંડ કેસમાં અત્યાર સુધી થયેલી ધરપકડો બાદ હવે તપાસનો ફોકસ મુખ્ય આરોપી ઉત્પલ પટેલ સુધી પહોંચવાનો છે. પોલીસને આશા છે કે ભૂમિ પટેલ અને ધ્રુવ ચૌધરીની પૂછપરછમાંથી કેસ સંબંધિત વધુ મહત્વપૂર્ણ કડીઓ મળી શકે છે.

આ કેસમાં અનેક રોકાણકારોના નાણાં સંકળાયેલા હોવાનું માનવામાં આવતું હોવાથી તપાસની દિશા અને આગામી કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર છે.

શું છે સમગ્ર મામલો?

ગુજરાતના આર્થિક અને વૈશ્વિક ફાઇનાન્સ હબ તરીકે ઓળખાતા GIFT City માં “શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ” નામની કંપનીએ ટેરાબાઈટ ડેટા સ્પેસમાં રોકાણના નામે ગુજરાત સહિત હરિયાણા અને ગોવાના હજારો લોકોને કરોડોની છેતરપિંડીનો ભોગ બનાવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. અંદાજે 33,000થી વધુ રોકાણકારો પાસેથી 400 કરોડથી 500 કરોડ રૂપિયા સુધીની રકમ ઉઘરાવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now