GCAS Admission 2026: ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) દ્વારા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, કોલેજો, કોર્સ અને સીટોની વિગતો હજુ જાહેર ન થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ધોરણ 12 બાદ કોલેજ પ્રવેશ માટેની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા ગણાતી ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) અંતર્ગત ગુરુવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા આ કેન્દ્રીય પ્રવેશ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ હવે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે.
વિદ્યાર્થીઓ માટે નોંધણી કરવાની અંતિમ તારીખ 28 મે નક્કી કરવામાં આવી છે. સામાન્ય વર્ગ એટલે કે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે ₹300 ફી ચૂકવવાની રહેશે, જ્યારે અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ફી ઘટાડીને ₹150 રાખવામાં આવી છે. રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓ હવે GCAS પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં વ્યસ્ત બન્યા છે.
કોલેજો અને સીટોની વિગતો જાહેર ન થતા મૂંઝવણ
જ્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે હાલમાં કોલેજો, કોર્સીસ અને ઉપલબ્ધ સીટોની વિગત પોર્ટલ પર ઉપલબ્ધ નથી. પરિણામે વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં કેટલા કોર્સ ઉપલબ્ધ છે અને ક્યાં પ્રવેશની વધુ તક છે તે સમજવામાં મુશ્કેલી પડી રહી છે.
ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કોલેજ પસંદગી અંગે અસમંજસમાં છે. અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ સોશિયલ મીડિયા તેમજ શૈક્ષણિક મંચો પર આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
શિક્ષણ વિભાગના સૂત્રો અનુસાર આગામી થોડા દિવસોમાં તમામ યુનિવર્સિટીઓ દ્વારા સીટોની વિગત GCAS પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ વધુ સ્પષ્ટ રીતે કોલેજ અને કોર્સ પસંદગી કરી શકશે.
ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓ GCAS હેઠળ
રાજ્યની મોટાભાગની સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં હવે પ્રવેશ GCAS મારફતે જ આપવામાં આવશે. તેમાં ગુજરાત યુનિવર્સિટી સહિતની અનેક યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે વિદ્યાર્થીઓને અલગ-અલગ કોલેજોમાં અરજી કરવાની જરૂર રહેશે નહીં. એક જ પોર્ટલ મારફતે વિવિધ કોલેજો અને કોર્સ માટે પસંદગી આપી શકાશે. આથી પ્રવેશ પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે તેવી સરકારની દલીલ છે.
GCAS સિસ્ટમનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યમાં પ્રવેશ પ્રક્રિયાને ડિજિટલ અને કેન્દ્રીકૃત બનાવવાનો છે, જેથી વિદ્યાર્થીઓને વારંવાર દસ્તાવેજ ચકાસણી, અલગ-અલગ ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ફી ચૂકવણીની મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
ગયા વર્ષે લાંબા રાઉન્ડથી વિદ્યાર્થીઓ પરેશાન
ગયા વર્ષે GCAS અંતર્ગત લગભગ 2800 કોલેજોમાં 450થી વધુ પ્રોગ્રામ્સ માટે 6 લાખથી વધુ સીટો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ પ્રવેશ માટે 30થી 32 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલતાં વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
ઘણા વિદ્યાર્થીઓને સમયસર પ્રવેશ મળ્યો નહોતો, જ્યારે કેટલીક કોલેજોમાં અંત સુધી સીટો ખાલી રહી ગઈ હતી. લાંબી પ્રક્રિયાને કારણે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પણ મોડેથી થઈ હતી. કોલેજ સંચાલકોને પણ સતત મેરિટ અને પ્રવેશ પ્રક્રિયા સંભાળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ જ અનુભવોને ધ્યાનમાં રાખીને આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં મોટા ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આ વખતે માત્ર ત્રણ મુખ્ય રાઉન્ડ અને જરૂર પડે તો એક વધારાના રાઉન્ડ સુધી જ પ્રક્રિયા મર્યાદિત રાખવાનો વિચાર છે.
જો ત્યારબાદ પણ સીટો ખાલી રહે તો યુનિવર્સિટીઓને સ્વતંત્ર રીતે વધારાના પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જોકે આ મુદ્દે હજુ સુધી સત્તાવાર જાહેરખબર કરવામાં આવી નથી.
વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું?
શૈક્ષણિક નિષ્ણાતોના મતે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ સુધી રાહ જોવાને બદલે વહેલી તકે નોંધણી પૂર્ણ કરી દેવી જોઈએ. કારણ કે અંતિમ દિવસોમાં સર્વર પર વધુ ટ્રાફિકને કારણે ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
વિદ્યાર્થીઓએ અરજી કરતી વખતે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ
ધોરણ 12ની માર્કશીટ અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા
મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી સક્રિય હોવા જોઈએ
કેટેગરી સંબંધિત પ્રમાણપત્રો સાચી રીતે અપલોડ કરવા
પસંદગી દરમિયાન કોર્સ અને કોલેજની માહિતી ધ્યાનપૂર્વક ભરવી
ફી ચૂકવણી પછી અરજીની પુષ્ટિ ચકાસવી
રાજ્ય સરકાર આગામી દિવસોમાં હેલ્પલાઇન અને માર્ગદર્શિકા પણ જાહેર કરી શકે છે જેથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ સરળતાથી અરજી કરવાની સુવિધા મળી રહે.
ધોરણ 10ના પરિણામમાં દીકરીઓએ મારી બાજી: 88.28% પરિણામ સાથે છોકરાઓને પાછળ છોડ્યા, રાજ્યમાં આ જિલ્લો અવ્વલ
શૈક્ષણિક સત્ર પણ સમયસર શરૂ થવાની સંભાવના
ગુજરાતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે અરજી કરે છે. GCAS જેવી કેન્દ્રીય સિસ્ટમથી પ્રવેશ પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનવાની અપેક્ષા છે. પરંતુ સમયસર સીટોની વિગતો જાહેર ન થવી અને અગાઉના વર્ષના અનુભવને કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા પણ વધી રહી છે.
આ વખતે પ્રક્રિયા મર્યાદિત રાઉન્ડમાં પૂર્ણ થાય તો વિદ્યાર્થીઓને ઝડપથી કોલેજ ફાળવણી મળી શકે છે અને શૈક્ષણિક સત્ર પણ સમયસર શરૂ થવાની સંભાવના વધશે. તેથી આગામી કેટલાક દિવસ GCAS પ્રવેશ પ્રક્રિયા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.





