ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વિકાસકાર્યોને વધુ વેગ આપતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં સોનીપુર ગામ ખાતે તળાવના ખાતમુહૂર્ત સહિત કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારોમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, થોડા સમય પહેલાં જ કલોલ અને ગાંધીનગર વિસ્તારમાં અંદાજે રૂ.900 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે હવે વધુ રૂ.340 કરોડના 84 વિકાસકાર્યોને મંજૂરી અને પ્રારંભ આપવામાં આવ્યો છે. આમ કુલ મળીને ગાંધીનગર જિલ્લાની 2 વિધાનસભાઓમાં આશરે રૂ.1200 કરોડના વિકાસકાર્યોને વેગ મળ્યો હોવાનું જણાવાયું છે.
'દરેક ગામ આત્મનિર્ભર અને સુવિધાસભર બનવું જોઈએ'
કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની નવી દિશા દર્શાવી છે, જેમાં ગામડાંઓને આત્મનિર્ભર અને સુવિધાસભર બનાવવાનો મુખ્ય ધ્યેય છે. તેમણે કહ્યું કે આજે વિકાસકાર્યોમાં કરોડો રૂપિયાનું રોકાણ સામાન્ય બાબત બની ગઈ છે કારણ કે દેશ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની બંને વિધાનસભાઓમાં આવનારા સમયમાં દરેક ગામમાં બગીચા, તળાવો અને લાઈબ્રેરી જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગામ સ્તરે લાઈબ્રેરીઓને ગાંધીનગરની મેગા લાઈબ્રેરી સાથે જોડવાની પણ યોજના છે જેથી યુવાનો સુધી પુસ્તકો અને વાંચન સંસ્કૃતિ સરળતાથી પહોંચી શકે. શાહે જણાવ્યું કે રમતગમત, વાંચન અને સ્વચ્છ પર્યાવરણ યુવાનોના વ્યક્તિત્વ નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને રાજ્ય સરકાર આ દિશામાં સમાંતર કામગીરી કરી રહી છે.
વીર સાવરકરને યાદ કરીને રાષ્ટ્રભાવનાનો ઉલ્લેખ
વીર સાવરકરની જન્મજયંતિ નિમિત્તે અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે વિનાયક દામોદર સાવરકરએ દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું અને અંગ્રેજો સામે લડતમાં અદમ્ય સાહસ દર્શાવ્યું હતું.
શાહે કહ્યું કે 1857ના સંગ્રામને અંગ્રેજો 'વિદ્રોહ' ગણાવતા હતા ત્યારે સાવરકરે '1857 સ્વાતંત્ર્ય સંગ્રામ' નામનું પુસ્તક લખીને તેને સ્વાતંત્ર્ય યુદ્ધ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સાવરકરના કાળા પાણીની સજા દરમિયાન લખાયેલા સાહિત્ય અને સમાજસુધારણા ક્ષેત્રે કરેલા યોગદાનની પણ નોંધ લીધી.
'ગુજરાત મોડલ હવે દેશવ્યાપી બન્યું'
અમિત શાહે પોતાના ભાષણમાં ગુજરાત મોડલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી શરૂ કરેલો વિકાસનો મોડલ આજે સમગ્ર દેશમાં અમલમાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે દેશમાં 80 ટકા વિસ્તારમાં ભાજપની સરકાર છે અને અનેક રાજ્યોમાં વિકાસને નવી દિશા મળી રહી છે.
બંગાળનો ઉલ્લેખ કરતાં શાહે ઘૂસણખોરી મુદ્દે કડક વલણ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ અને સુરક્ષા મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે દેશમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરી દૂર કરવાનો સંકલ્પ ભાજપ સરકારે લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે 'ડેમોગ્રાફિક ચેન્જ કમિટી' બનાવવાનો નિર્ણય કર્યો છે, જે દેશમાં જનસાંખ્યિક બદલાવ અને તેની અસર અંગે અભ્યાસ કરશે.
'લોકોના જીવનમાં સુવિધા વધારવી સરકારનો ધ્યેય'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે વીર સાવરકરને યાદ કરતાં કહ્યું કે દેશપ્રેમ અને રાષ્ટ્રનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ તેઓ હતા. તેમણે અમિત શાહના કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું કે નક્ષલવાદ સામેની લડત અને કલમ 370 દૂર કરવાની કાર્યવાહી રાષ્ટ્રપ્રતિના સમર્પણનું પ્રતિક છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રને દેશના સૌથી વિકસિત મતવિસ્તારોમાં સ્થાન અપાવવાનો અમિત શાહનો સંકલ્પ છે. પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, રોડ નેટવર્ક અને નાગરિક સુવિધાઓના વિસ્તરણથી લોકોનું 'Ease of Living' વધશે. તેમણે કહ્યું કે ડબલ એન્જિન સરકારનો હેતુ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિકના જીવનને વધુ સુવિધાસભર અને સમૃદ્ધ બનાવવાનો છે.
આગેવાનો અને ઉદ્યોગજગતની હાજરી
આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબહેન પટેલ, કલોલના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ રાજુ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત ઉદ્યોગજગતમાંથી કિર્લોસ્કર લિમિટેડની અધ્યક્ષ ગીતાંજલિ કિર્લોસ્કર અને અરવિંદ લિમિટેડના અધ્યક્ષ પુનિત લાલભાઈ સહિતના ઉદ્યોગપતિઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.





