Home Gujarat Gandhinagar Pm Shri School Teacher Recruitment Protest

'100 દિવસની ભરતી નહીં ચાલે' : કાયમી નોકરીની માંગ સાથે શિક્ષક ઉમેદવારોનું સરકારને અલ્ટીમેટમ

શિક્ષક ઉમેદવારોના વિરોધની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 06, 2026, 08:50 AM IST

ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા પીએમ શ્રી (PM SHRI) સરકારી શાળાઓમાં 100 દિવસ માટે અંશકાલીન ધોરણે શિક્ષકોની ભરતી અંગે જાહેર કરાયેલા પરિપત્રને લઈને વિવાદ ઊભો થયો છે. પરિપત્ર જાહેર થતાં જ વિવિધ વિષયોના શિક્ષક ઉમેદવારોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ઉમેદવારોએ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું અને શિક્ષણ વિભાગને પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. ઉમેદવારોનું કહેવું છે કે રાજ્યમાં મોટી સંખ્યામાં શિક્ષક ભરતીની રાહ જોતા યુવાનો છે, ત્યારે કાયમી ભરતીના બદલે માત્ર 100 દિવસ માટે અંશકાલીન શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય યોગ્ય નથી. સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરીને શાળાઓમાં લાંબા ગાળાની શૈક્ષણિક વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ.

PM શ્રી શાળાઓ માટે ભરતીનો પરિપત્ર બન્યો વિવાદનું કારણ

વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ પીએમ શ્રી સરકારી શાળાઓમાં વ્યાયામ, કમ્પ્યુટર, ચિત્રકલા અને સંગીત જેવા વિષયોના શિક્ષકોને 100 દિવસ માટે અંશકાલીન ધોરણે નિયુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીનો હેતુ વિદ્યાર્થીઓને વિવિધ સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં ગુણવત્તાયુક્ત માર્ગદર્શન આપવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ આ નિર્ણય સામે શિક્ષક ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે રાજ્યમાં લાંબા સમયથી કાયમી ભરતી અટવાયેલી છે અને આવી સ્થિતિમાં ટૂંકા ગાળાની ભરતીથી બેરોજગાર યુવાનોને કોઈ સ્થાયી લાભ મળવાનો નથી.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી આગાહી : ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનશે, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિની શક્યતા

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિરોધ પ્રદર્શન

પરિપત્ર જાહેર થયા બાદ મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર સાથે પરિપત્રનો વિરોધ નોંધાવ્યો અને શિક્ષણ વિભાગ સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉમેદવારોએ જણાવ્યું કે તેઓ કોઈપણ પ્રકારની અંશકાલીન ભરતીનો વિરોધ કરે છે અને સરકારે નિયમિત તથા પારદર્શક ભરતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. ઉમેદવારોએ એવી પણ માંગ કરી કે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં અગાઉ જ્ઞાન સહાયકની જેમ રાજ્યવ્યાપી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે, જેથી લાયકાત ધરાવતા ઉમેદવારોને કાયમી રોજગારીની તક મળી શકે.

કાયમી ભરતી સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી

ઉમેદવારોનું કહેવું છે કે જ્યાં સુધી રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે જો આ પરિપત્ર પરત નહીં ખેંચવામાં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ કરી રહેલા ઉમેદવારોએ જણાવ્યું કે શિક્ષણ જેવી મહત્વપૂર્ણ વ્યવસ્થામાં અસ્થાયી ભરતીનો અભિગમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે લાંબા ગાળે નુકસાનકારક બની શકે છે.

આ પણ વાંચો: 'પાપ કરનાર કોઈ નહીં બચે' : ચંપત રાય પર નિર્ણય પહેલા નૃત્ય ગોપાલ દાસનો કડક સંદેશ, આજે અયોધ્યામાં ટ્રસ્ટની નિર્ણાયક બેઠક

PM શ્રી અને અંશકાલીન પદ્ધતિના બહિષ્કારની ચેતવણી

ઉમેદવારોએ વધુમાં જણાવ્યું કે જો સરકાર પરિપત્ર પર પુનર્વિચાર નહીં કરે તો તેઓ પીએમ શ્રી યોજના હેઠળની અંશકાલીન ભરતી પ્રક્રિયાનો બહિષ્કાર કરશે. સાથે જ રાજ્યભરમાં આ મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવી વધુ ઉમેદવારોને આંદોલન સાથે જોડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે સરકારે તાત્કાલિક તમામ ખાલી જગ્યાઓ માટે નિયમિત ભરતીની જાહેરાત કરવી જોઈએ અને માત્ર ટૂંકા ગાળાના કરાર આધારિત મોડલને પ્રોત્સાહન ન આપવું જોઈએ.

સરકારના નિર્ણય પર સૌની નજર

હાલ સમગ્ર મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી ઉમેદવારોની માંગ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં સરકાર આ પરિપત્ર અંગે કોઈ ફેરફાર કરે છે કે નહીં તેના પર હજારો શિક્ષક ઉમેદવારોની નજર ટકેલી છે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા આ મુદ્દાએ ફરી એકવાર રાજ્યમાં શિક્ષક ભરતીની નીતિ અંગે ચર્ચા જગાવી છે. એક તરફ સરકાર પીએમ શ્રી શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અંશકાલીન ભરતીનો માર્ગ અપનાવી રહી છે, તો બીજી તરફ લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો કાયમી નિમણૂકોની માંગ સાથે વિરોધના મોરચે ઊતર્યા છે આગામી દિવસોમાં સરકાર અને ઉમેદવારો વચ્ચે ચર્ચા દ્વારા કોઈ ઉકેલ આવે છે કે વિરોધ વધુ ઉગ્ર બને છે, તેના પર સમગ્ર શિક્ષણ જગતની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now