Bharuch News: ભરૂચ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાએ વધુ એક યુવાનનો જીવ લીધો છે. શહેરના સ્ટેશન રોડ પર મધરાતે ગધેડાઓના ઝુંડના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં સરસ્વતી ચાલના રહેવાસી ચિરાગ બાબુભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, રસ્તા પર અચાનક ગધેડાઓનું ઝુંડ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના બાદ કોંગ્રેસે ભરૂચમાં રખડતા પશુઓને નિયંત્રિત કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, શહેરમાં લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યા હોવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ : સાબરમતી સ્નાનાગાર પાસે મસમોટો ભુવો, 2 કિમી રસ્તો બંધ
પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે ઘટનાએ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.






