Home Gujarat Gandhinagar No Drone Zone 47 Sensitive Locations

ગુજરાતના આ શહેરમાં ડ્રોન ઉડાવનારની ખેર નહીં! : 47 સ્થળોની આસપાસ 2 કિમી સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

ગાંધીનગરમાં નો ડ્રોન ઝોન
Published by: Chintan Chavda
Last Updated: Jun 01, 2026, 11:37 AM IST

ગાંધીનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશવિરોધી તત્વો, આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા અન્ય અસામાજિક તત્વો દ્વારા ડ્રોન અને અનમેન એરીયલ વ્હીકલ્સ (UAV)ના સંભવિત દુરુપયોગને રોકવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલ (IAS) દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ હેઠળ જિલ્લાના 47 સંવેદનશીલ અને વ્યૂહાત્મક સ્થળોની આસપાસનો વિસ્તાર ‘નો ડ્રોન ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 (BNSS)ની કલમ 163 હેઠળ જારી કરાયેલા આ આદેશનો હેતુ જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

47 મહત્વપૂર્ણ સ્થળોને બે કેટેગરીમાં વહેંચાયા

જાહેરનામા મુજબ ગાંધીનગર જિલ્લાના કુલ 47 વ્યૂહાત્મક અને અતિ-મહત્વના ઇન્સ્ટોલેશનને બે કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમાં 19 સ્થળોને ‘રેડ ઝોન’ અને 28 સ્થળોને ‘યલો ઝોન’ તરીકે ઓળખ આપવામાં આવી છે.

આ તમામ સ્થળોની આસપાસ ચારેય દિશામાં 2 કિલોમીટર સુધીનો વિસ્તાર ‘નો ડ્રોન ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે આ વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા ડ્રોન, UAV અથવા અન્ય માનવરહિત હવાઈ સાધનો ઉડાવી શકશે નહીં.

આ પણ વાંચો: જામનગર બાયપાસ પર આ જાણીતા રેસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ : કિચનમાં ફેલાયેલી જ્વાળાઓથી મચી દોડધામ

ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ

આદેશ અનુસાર પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન કેમેરા, ફોટોગ્રાફી ડ્રોન, સર્વેલન્સ ડ્રોન અથવા કોઈપણ પ્રકારના અનમેન એરીયલ વ્હીકલનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે, પરંતુ તેની સાથે સુરક્ષા સંબંધિત પડકારો પણ વધ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શાળાઓનું વેકેશન લંબાયું હોવાની ચર્ચાએ પકડ્યું જોર : જાણો અફવા કે હકીકત

29 જૂન, 2026 સુધી અમલમાં રહેશે આદેશ

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ આ જાહેરનામું 29 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ પ્રકારના ડ્રોન સંચાલન માટે મંજૂરી આપવામાં આવશે નહીં, સિવાય કે તે સુરક્ષા અથવા સરકારી કામગીરી સાથે સીધો સંબંધ ધરાવતું હોય.

આ આદેશનો અમલ સમગ્ર ગાંધીનગર જિલ્લામાં નિર્ધારિત સંવેદનશીલ વિસ્તારો માટે લાગુ રહેશે અને સ્થાનિક પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ તેની દેખરેખ રાખશે.

સુરક્ષા દળોને છૂટછાટ

જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ સરકારી સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ અને અન્ય અધિકૃત સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રોન અથવા તકનીકી સાધનોને લાગુ પડશે નહીં. સુરક્ષા કામગીરી, દેખરેખ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે તેઓ જરૂરી મુજબ ડ્રોનનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: હાથમાં બાળક,માથે પાણીની ચિંતા : રોશનનગરની મહિલાઓએ પાણી પુરવઠા કચેરીએ પહોંચીને કર્યો વિરોધ

ભંગ કરનાર સામે કડક કાર્યવાહી

જિલ્લા તંત્રે ચેતવણી આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓને પણ આ આદેશના અમલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

તાજેતરના સમયમાં દેશભરમાં ડ્રોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વિવિધ રાજ્યોમાં આવા પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં લાગુ કરાયેલ આ નિર્ણય પણ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now