Home Gujarat Dwarka Shivrajpur Beach Dwarka Swimming Bathing Ban Till 30 July

ગુજરાતમાં આ ઠેકાણે ફરવા જવાના હોય તો પ્લાન બદલી નાખજો! : તંત્રએ જાહેર કર્યું કડક જાહેરનામું, જાણો શું છે કારણ

shivrajpur Beach Travel Ban
Published by: Nirali Gohil
Last Updated: Jun 01, 2026, 12:00 PM IST

દ્વારકા: જો તમે આગામી દિવસોમાં ગુજરાતના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ અને દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શિવરાજપુર બીચ પર પ્રવાસીઓને દરિયાના પાણીમાં ન્હાવા કે સ્વિમિંગ કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ આગામી 30 જુલાઈ સુધી અમલમાં રહેશે.

જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ શિવરાજપુર બીચની સુંદરતા માણવા આવે છે, પરંતુ હાલમાં ચોમાસાની સ્થિતિ અને દરિયામાં ઉછળતા મોજાંને ધ્યાનમાં લેતા વહીવટી તંત્ર દ્વારા આ સાવચેતીનું પગલું ભરવામાં આવ્યું છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળના મુખ્ય કારણો બીચની જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષા છે. બીચ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારબાદ સલામતીના ભાગરૂપે દરિયામાં ઉતરવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણીવાર પ્રવાસીઓ દરિયાના જોખમી પ્રવાહને પારખી શકતા નથી, જેના કારણે અકસ્માતનો ભય રહે છે. આથી, કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તે માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ડ્રોન ઉડાવનારની ખેર નહીં!: 47 સ્થળોની આસપાસ 2 કિમી સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

જાહેરનામાનો ભંગ કરનાર સામે લેવાશે કડક પગલાં

તંત્ર દ્વારા તમામ પ્રવાસીઓને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓએ સુરક્ષા સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને તંત્રને સહકાર આપવો જોઈએ.

પર્યટકો માટે સલાહ

શિવરાજપુર બીચ એ રાજ્યના અગ્રણી પર્યટન સ્થળોમાંનું એક છે. જો તમે અહીંની મુલાકાત લેવાના હોવ, તો યાદ રાખો કે બીચના કિનારા સુધી જઈ શકાશે અને સુંદરતાનો આનંદ માણી શકાશે, પરંતુ દરિયાના પાણીમાં ઉતરવાની કે સ્વિમિંગ કરવાની મંજૂરી મળશે નહીં. પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રવાસનું આયોજન કરતા પહેલા સ્થાનિક તંત્રના આ જાહેરનામાને ધ્યાનમાં રાખે જેથી મુસાફરી દરમિયાન કોઈ અગવડતા ન પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now