Home Gujarat Fsas Fertilizer Booking App Farmers Online Fertilizer Pre Booking Gujarat

ગુજરાતમાં ખાતરની કટોકટીનો ડિજિટલ અંત! : સરકારે લોન્ચ કરી નવી એપ, પ્રિ-બુકિંગથી ખેડૂતોને લાંબી લાઈનોમાંથી મળશે મુક્તિ

Navsari News
Published by: Viral Patel
Last Updated: Jun 01, 2026, 12:26 PM IST

Navsari News: દેશના ખેડૂતો માટે ખેતીની સિઝન દરમિયાન ખાતર મેળવવું એ હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી અને ટેકનોલોજી આધારિત ઉકેલ શોધી કાઢ્યો છે. સરકારે ખેડૂતોને ખાતર મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે 'ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ' (FSAS) નામની એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ નવી ડિજિટલ સિસ્ટમ દ્વારા ખાતરનું વિતરણ સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવશે, જેનાથી ખેડૂતોને ડેપો કે મંડળીઓ બહાર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

GSEB ધોરણ-10 અને ધોરણ-12 પૂરક પરીક્ષા-2026 ની હોલ ટિકિટ જાહેર : જાણો હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી

સિઝન દરમિયાન પડતી મુશ્કેલીઓનો આવશે અંત

સામાન્ય રીતે ખેતીની સિઝન શરૂ થતાં જ ખાતર ખરીદવા માટે સહકારી મંડળીઓ કે ખાતરના ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળતી હતી. ઘણીવાર સમયસર ખાતર ન મળવાને કારણે કે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે પાકને મોટું નુકસાન થતું હતું. ખેડૂતોના આ સમય અને શ્રમનો બગાડ અટકાવવા માટે સરકારે આ ડિજિટલ કદમ ઉઠાવ્યું છે.

પાયલોટ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના નવસારીનો સમાવેશ

આ મહત્વાકાંક્ષી ડિજિટલ પ્રોજેક્ટની શરૂઆત દેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે, જેમાં સદભાગ્યે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. નવસારી જિલ્લામાં વાર્ષિક અંદાજે 55 થી 60 હજાર મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત રહે છે. આ જથ્થામાં મુખ્યત્વે યુરિયા (Urea), DAP, MOP, NPK અને SSP જેવા ખાતરોનો સમાવેશ થાય છે. નવસારી જિલ્લાના વાંસદા

જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોને વાવણીના સમયે ખાતર મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ નવી વ્યવસ્થા તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ગુજરાતમાં આ ઠેકાણે ફરવા જવાના હોય તો પ્લાન બદલી નાખજો! : તંત્રએ જાહેર કર્યું કડક જાહેરનામું, જાણો શું છે કારણ

કેવી રીતે કામ કરશે FSAS એપ?

આ નવી સિસ્ટમ અંતર્ગત ખેડૂતો પોતાના મોબાઈલ ફોન દ્વારા જ ઘરબેઠા તમામ માહિતી મેળવી શકશે. ખેડૂતો એપના માધ્યમથી જાણી શકશે કે તેમની નજીકની મંડળી, ખાતર ડેપો કે એગ્રી બિઝનેસ સેન્ટરમાં કયું ખાતર અને કેટલા જથ્થામાં ઉપલબ્ધ છે. ખેડૂતો પોતાના ઓળખપત્ર (આઈડી) વિગતોનો ઉપયોગ કરીને એપમાં સુરક્ષિત રીતે લોગઈન કરી શકશે. કૃષિ યુનિવર્સિટીની ભલામણો અને પોતાની જમીનની જરૂરિયાત મુજબ ખેડૂતો એપમાં ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. એકવાર એપમાં બુકિંગ થઈ ગયા પછી, તે ખાતરનો જથ્થો સંબંધિત ખેડૂત માટે બે દિવસ (48 કલાક) સુધી અનામત (Reserve) રાખવામાં આવશે, જેથી ખેડૂત કોઈપણ ઉતાવળ વિના પોતાની અનુકૂળતાએ સ્ટોક મેળવી શકે.

ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફાયદાકારક સાબિત થશે

વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને વહેલી તકે 'ફાર્મર રજિસ્ટ્રી' કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. જો ખેડૂતોએ અગાઉથી આ રજિસ્ટ્રી કરાવી હશે, તો એપમાં માત્ર આઈડી વિગતો સબમિટ કરતાની સાથે જ તેમની જમીનનો સર્વે નંબર, માલિકી સહિતની તમામ વિગતો આપોઆપ ઓટો-ફીલ (એડ) થઈ જશે, જેનાથી પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

નિવૃત્તિના 24 કલાક પહેલાં ACP સાથે જે થયું તે કોઈએ નહીં વિચાર્યું હોય? : ગૃહ વિભાગએ આપ્યો મોટો આદેશ

ડિજિટલ નિર્ણયને ખેડૂતો અને વિક્રેતાઓએ વધાવ્યો

સરકારના આ આધુનિક અભિગમને નવસારીના સ્થાનિક ખેડૂતો અને ખાતર વિક્રેતાઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. વેસ્મા ગામના ખેડૂતો અને સ્થાનિક વેપારીઓના મતે, આ પારદર્શક વ્યવસ્થાને કારણે ખાતરનું બ્લેક માર્કેટિંગ (કાળાબજારી) અટકશે અને જરૂરિયાતમંદ સાચા ખેડૂત સુધી પૂરતો જથ્થો સરળતાથી પહોંચશે. આગામી દિવસોમાં આ પાયલોટ પ્રોજેક્ટ જમીની સ્તરે ખેડૂતોના જીવનને કેટલું સરળ બનાવે છે અને ખેતીના વિકાસમાં કેટલો મોટો ભાગ ભજવે છે તે જોવું રસપ્રદ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now