મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 પાંચમી જૂને ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પટાંગણમાં માતૃવન વનકવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2024ના વિશ્વ પર્યાવણ દિવસે દેશવાસીઓને ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે આ અભિયાનમાં 17.48 કરોડ રોપાઓના વાવેતર સાથે દેશભરમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે.
વડપ્રધાનની પ્રેરણાથી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી ‘એક પેડ મા કે નામ 2.0’ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ અભિયાનનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યમાં આવનારા પર્યાવરણના પડકારોના નિવારણનું આગવું વિઝન પર્યાવરણ સુરક્ષા સાથેના વિકાસને ધરાતલ પર ઉતારવાના સંકલ્પો સાથે આપણને આપ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન અન્વયે સચિવાલય સંકુલમાં સિંદૂરના 200 રોપાઓ સાથે 4 હજાર રોપાઓના માતૃવન વનકવચનો વૃક્ષારોપણથી પ્રારંભ કર્યો છે. સમગ્ર સચિવાલય સંકુલ પરિસરમાં વન વિભાગના સહયોગથી 16 હજાર જેટલા વૃક્ષો સાથેનું માતૃવન વન કવચ બનાવવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનએ મિશન લાઈફ અંતર્ગત આપણા રોજબરોજના જીવનમાં પર્યાવરણ જાળવણીના ઉપાયો અપનાવીને પર્યાવરણના જતન-સંવર્ધન માટેનો પર્યાવરણ પ્રિય વિચાર આપ્યો છે.






