ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રૂપિયા 1.10 કરોડની લેતી-દેતીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારના લેન્ડમાર્ક એવન્યુ નજીક સમાધાન માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન 10થી વધુ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઘટનામાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એકની હાલત ગંભીર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે રાત્રોરાત કાર્યવાહી કરી તમામ 11 આરોપીઓની ધરપકડ કરી છે.
ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક (DySP) ડી.ટી. ગોહિલે જણાવ્યું હતું કે ફરિયાદી ઉત્સવભાઈ રોહિતકુમાર પટેલની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, તેમના પિતા રોહિતભાઈ પટેલ અને મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ રાઠોડ વચ્ચે લાંબા સમયથી વ્યવસાયિક સંબંધ હતા. રાજસ્થાનમાં કામ કરાવવાના નામે કુલ રૂ. 1.10 કરોડની રકમ આપવામાં આવી હતી, જેને લઈને બંને પક્ષ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલમાં શિક્ષકની ક્રૂરતાના CCTV સામે આવ્યા! : વિદ્યાર્થીને મારેલા લાફાથી કાનનો પડદો ફાટ્યાનો આક્ષેપ
સમાધાન માટે બોલાવ્યા, પરંતુ હથિયારો સાથે પહોંચ્યાનો આરોપ
પોલીસના જણાવ્યા મુજબ, 17 જૂનના રોજ કોબા સર્કલ પાસે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી, જોકે તે સમયે સમાધાન થઈ ગયું હતું. ત્યારબાદ ફરીથી મામલો ઉકેલવાના પ્રયાસરૂપે લેન્ડમાર્ક એવન્યુ ખાતે ભરતસિંહ ચંપાવતના જીમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતસિંહ ચંપાવત આ સમગ્ર મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા હતા.
DySP ડી.ટી. ગોહિલના જણાવ્યા મુજબ, સમાધાન બેઠક દરમિયાન મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ રાઠોડ આશરે 10થી 12 શખ્સો સાથે છરી, ચપ્પા, ધારીયા અને લાકડીઓ જેવા હથિયારો લઈને પહોંચ્યો હતો. ત્યારબાદ ફરિયાદી પક્ષ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં રોહિતભાઈ પટેલ અને ભરતસિંહ ચંપાવત ઇજાગ્રસ્ત થયા હતા. ભરતસિંહ ચંપાવતને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું એક્શન! : સરખેજમાં બિનપરવાનગીના ધાર્મિક બાંધકામ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
પોલીસે રાત્રોરાત 11 આરોપીઓને ઝડપી પાડ્યા
ઘટના બાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ (Attempt to Murder), રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ફોસિટી પોલીસ, જિલ્લા એલસીબી અને ડી-સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી રાત્રે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ કેસમાં સંડોવાયેલા તમામ 11 આરોપીઓને થોડા જ કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સહિત અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે.
આર્થિક વિવાદ પાછળનું કારણ તપાસ હેઠળ
પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર મામલો રાજસ્થાનમાં કામ અપાવવાના નામે થયેલી રૂ. 1.10 કરોડથી વધુની લેવડદેવડ સાથે સંબંધિત છે. હાલમાં પોલીસ નાણાકીય વ્યવહારો, બંને પક્ષ વચ્ચે થયેલા કરારો અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે. આરોપીઓની પૂછપરછના આધારે સમગ્ર કાવતરું અને હુમલાનું ચોક્કસ કારણ બહાર આવશે તેવી શક્યતા છે. પોલીસે જણાવ્યું છે કે કેસની વધુ તપાસ ચાલુ છે અને જરૂરી પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.






