ગુજરાતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગરના આઇકોનિક રોડ પર રાજ્યનું સૌપ્રથમ AI આધારિત ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ નવીન સિસ્ટમ હવે વાહનોની સંખ્યા અને ટ્રાફિકના દબાણને આધારે આપોઆપ સિગ્નલનો સમય નક્કી કરશે. ગાંધીનગર મહાનગર પાલિકા (GMC) દ્વારા શરૂ કરાયેલ આ પ્રોજેક્ટને રાજ્યમાં ટ્રાફિક મેનેજમેન્ટ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ટેક્નોલોજીકલ પ્રયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી ઇજનેર મહર્ષિ રાવલે આ સિસ્ટમ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે AI આધારિત સિગ્નલ સિસ્ટમ રસ્તા પરના ટ્રાફિકને રિયલ ટાઈમમાં મોનિટર કરે છે. જો કોઈ એક બાજુ વાહનોની લાઈન વધુ લાંબી હોય તો સિસ્ટમ આપમેળે તે દિશાનું સિગ્નલ ઝડપથી ગ્રીન કરી દે છે. બીજી તરફ જ્યાં ટ્રાફિક ઓછો હોય ત્યાં ગ્રીન સિગ્નલનો સમય ઘટાડી દેવામાં આવે છે.
રાત્રે ખાલી રસ્તા પર નહીં રોકાવું પડે
આ નવી ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો રાત્રિના સમયે જોવા મળશે. સામાન્ય ટ્રાફિક સિગ્નલમાં વાહનચાલકોને ઘણીવાર ખાલી રસ્તા હોવા છતાં રેડ સિગ્નલ પર ઉભા રહેવું પડે છે. પરંતુ AI સિસ્ટમમાં લગાવવામાં આવેલા સેન્સર વાહનની હાજરી તરત ઓળખી શકે છે અને જરૂર મુજબ સિગ્નલ ગ્રીન કરી વાહનચાલકને રાહત આપે છે.
મહર્ષિ રાવલના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજી માત્ર ટ્રાફિક ઘટાડવામાં જ નહીં પરંતુ ઈંધણ બચાવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ બનશે. લાંબા સમય સુધી વાહનો સિગ્નલ પર ઉભા ન રહેતાં પેટ્રોલ અને ડીઝલનો બગાડ ઘટશે, જેના કારણે પર્યાવરણને પણ લાભ મળશે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અમલીકરણ
ગાંધીનગરના આઇકોનિક રોડને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. AI આધારિત ટ્રાફિક સિગ્નલ પણ આ જ પ્રોજેક્ટનો ભાગ છે. પંચેશ્વર સર્કલ પાસે આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અને તેના માટે અંદાજે 50 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાનો વિચાર મુખ્ય હોવાનું જણાવાયું છે. સિસ્ટમ GMC હસ્તકની એક ખાનગી કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.
બાંગ્લાદેશી મહિલાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ: 7 મહિનાના બાળકના મુદ્દે માનવતાવાદી દલીલ
પીક અવર્સમાં ટ્રાફિક દબાણ ઘટાડવાનો પ્રયાસ
શહેરોમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું દબાણ સૌથી મોટી સમસ્યા બની રહ્યું છે. ખાસ કરીને ઓફિસ સમય અને સાંજના સમયે વાહનોની સંખ્યા વધી જતાં લાંબા ટ્રાફિક જામ સર્જાતા હોય છે. AI સિસ્ટમ આ દબાણને ડાયનેમિક રીતે સંભાળવાનો પ્રયાસ કરશે.
આ સિસ્ટમમાં ટ્રાફિકની સ્થિતિ અનુસાર સિગ્નલનો સમય બદલાતો રહેશે, એટલે વાહનચાલકોને લાંબા ટાઈમરની રાહ જોવાની જરૂર નહીં પડે. સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક રહેશે અને માનવ હસ્તક્ષેપ વગર ટ્રાફિક મેનેજમેન્ટ થશે.
ટૂંક સમયમાં હાઇટેક કન્ટ્રોલ રૂમ પણ બનશે
ગાંધીનગર મહાનગર પાલિકા હવે આગામી સમયમાં હાઇટેક કન્ટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવાની તૈયારીમાં છે. જ્યાંથી સમગ્ર AI ટ્રાફિક સિસ્ટમનું મોનીટરીંગ અને સંચાલન કરવામાં આવશે. શહેરના અન્ય વ્યસ્ત સર્કલો પર પણ આ ટેક્નોલોજી અમલમાં મૂકવાની યોજના હોવાનું મહર્ષિ રાવલે જણાવ્યું હતું.
જાહેરમાં રાજકારણી પણ ખાનગીમાં વ્યાજખોર!: રાજકોટ પોલીસે 36 પરિવારોને વ્યાજચક્રમાંથી છોડાવ્યા! રાજકીય નેતા સહિત મામા-ભાણેજની જોડી જેલભેગી
જો આ પ્રયોગ સફળ રહેશે તો ભવિષ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ AI આધારિત ટ્રાફિક સિગ્નલ લાગુ થઈ શકે છે.
સિસ્ટમનો માઈનસ પોઈન્ટ શું?
આ AI ટ્રાફિક સિગ્નલનો એક મહત્વનો મુદ્દો એ છે કે તેમાં પરંપરાગત ટાઈમર આપવામાં આવ્યો નથી. સામાન્ય સિગ્નલમાં વાહનચાલકોને ટાઈમર દ્વારા ખબર પડી જાય છે કે સિગ્નલ કેટલા સમયમાં ખુલશે. પરંતુ AI સિસ્ટમમાં સમય સંપૂર્ણપણે ટ્રાફિકની સ્થિતિ પર આધારિત હોવાથી ફિક્સ ટાઈમર શક્ય નથી.
જોકે અધિકારીઓનું કહેવું છે કે સિસ્ટમ રિયલ ટાઈમ ટ્રાફિક પ્રમાણે કામ કરતી હોવાથી લાંબા સમય સુધી રાહ જોવાની સ્થિતિ સર્જાશે નહીં અને વાહનચાલકોને તેની આદત પડી જશે.





