Home Gujarat Rajkot Rajkot Police Operation Against Usurers Bjp Leader Arrested Gondal

જાહેરમાં રાજકારણી પણ ખાનગીમાં વ્યાજખોર! : રાજકોટ પોલીસે 36 પરિવારોને વ્યાજચક્રમાંથી છોડાવ્યા! રાજકીય નેતા સહિત મામા-ભાણેજની જોડી જેલભેગી

Rajkot Police, Money Lender, SP Vijaysinh Gurjar
Published by: Nirali Gohil
Last Updated: May 07, 2026, 07:01 AM IST

રાજકોટ: ગુજરાતમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ગોંડલ પંથકમાં આતંક મચાવનારા મામા-ભાણેજની જોડીને દબોચી લીધી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે એકસાથે 136 જેટલા પીડિત પરિવારોને વ્યાજના વિષચક્રમાંથી આઝાદ કરાવી ન્યાય અપાવ્યો છે. આ ઓપરેશનની ખાસ વાત એ છે કે, પોલીસે માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ વ્યાજખોરોએ મજબૂર લોકો પાસેથી સિક્યુરિટી પેટે પડાવી લીધેલા કરોડો રૂપિયાના ચેક અને દસ્તાવેજો પણ પરત અપાવ્યા છે. આ સફળ કામગીરીને પગલે ગ્રામ્ય પંથકમાં પોલીસની છબી વધુ મજબૂત બની છે અને સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજકીય વગનો ઓથો અને 2 કરોડનું વ્યાજચક્ર

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી અસ્ફાક હનીફભાઇ સલાટ રાજકીય વગ ધરાવે છે. તે ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી સેલના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતો હતો. રાજકીય હોદ્દાના જોરે તે અને તેનો મામો કાળુ સલાટ ગોંડલના વાસાવડ ગામે વ્યાજનો કાળો કારોબાર ચલાવતા હતા. આ બંને શખ્સોએ આશરે 2 કરોડ રૂપિયા જેટલી રકમ વ્યાજે ફેરવી હતી અને લોકો પાસેથી બળજબરીથી વસૂલાત કરતા હતા.

375 ચેક અને 10% સુધીનું તોતિંગ વ્યાજ

આ મામા-ભાણેજની જોડી જરૂરિયાતમંદ લોકોને 3% થી લઈને 10% જેવા અસહ્ય વ્યાજદરે નાણાં આપતા હતા. નાણાં આપતી વખતે તેઓ સુરક્ષાના નામે કોરા અથવા સહી કરેલા ચેક લખાવી લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 375 જેટલા ચેક જપ્ત કર્યા છે. આ ચેકનો ઉપયોગ કરીને તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધમકાવતા અને માનસિક ત્રાસ આપતા હતા.

રાજકોટ SOGનું નશા વિરોધી મોટું ઓપરેશન: 2.193 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા, રિક્ષા સહિત લાખોનો મુદ્દામાલ કબજે

SP વિજયસિંહ ગુર્જર અને ટીમનું મેગા ઓપરેશન

જિલ્લા SP વિજયસિંહ ગુર્જર અને DYSP કે.જી. ઝાલા સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઓપરેશનને અંજામ આપ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 100થી વધુ એવા પરિવારજનોને શોધી કાઢ્યા જેઓ ડરના માર્યા ફરિયાદ કરવા તૈયાર નહોતા. પોલીસે આ પરિવારોને વિશ્વાસમાં લઈ વ્યાજખોરો પાસે જમા કરાવેલા તેમના ચેક અને મિલકતના કાગળો પરત અપાવ્યા છે.

લીધા રૂ.50 'ને મળી 10 વર્ષની જેલ!: રાજકોટમાં પોલીસકર્મીને લાંચ લેવી ભારે પડી

વ્યાજખોરો માટે પોલીસની કડક ચેતવણી

આ સફળ ઓપરેશન બાદ રાજકોટ જિલ્લા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં કોઈપણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં. SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, "જો કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બની રહી હોય, તો તેમણે ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ." આ કિસ્સામાં ભાજપના હોદ્દેદારની સંડોવણી હોવા છતાં પોલીસે નિષ્પક્ષ રહીને જે રીતે કડક કાર્યવાહી કરી છે, તેનાથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now