Vadnagar School Praveshotsav 2026: ગુજરાતમાં 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ મંગળવારે મહેસાણા જિલ્લાના વડનગરથી કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધ્યા હતા. ખાસ વાત એ છે કે આ જ શાળામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના શાળાકીય શિક્ષણનો એક મહત્વનો સમયગાળો વિતાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને શિક્ષણના મહત્ત્વ, દીકરીઓના સશક્તિકરણ અને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનો અંગે વિસ્તૃત વાત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવે લાખો બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે અને આજે રાજ્યમાં ડ્રોપઆઉટનો દર ઐતિહાસિક રીતે ઘટીને એક ટકાથી પણ ઓછો રહ્યો છે.
પ્રધાનમંત્રીના બાળપણના પ્રસંગો યાદ કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણને યાદ કરતાં જણાવ્યું હતું કે તેઓ બાળપણથી જ નિડર સ્વભાવ ધરાવતા હતા. સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીએ પોતાની મહેનત, સંકલ્પ અને દેશસેવાની ભાવનાના આધારે દેશના સર્વોચ્ચ પદ સુધીની સફર પૂર્ણ કરી છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે પોતાના સહાધ્યાયીઓ સાથે ટિફિન વહેંચવાની અને સૌને સાથે રાખવાની ભાવના ધરાવતા હતા. આજેય ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે તેઓ દેશને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ રહ્યા છે અને વિશ્વસ્તરે ભારતની ઓળખ મજબૂત બનાવી છે.
શિક્ષણ અભિયાનથી ડ્રોપઆઉટમાં નોંધપાત્ર ઘટાડો
મુખ્યપ્રધાને જણાવ્યું કે વર્ષ 2003માં શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય હેતુ રાજ્યના દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો હતો. તે સમયે રાજ્યમાં પ્રાથમિક સ્તરે ડ્રોપઆઉટનું પ્રમાણ આશરે 37 ટકા હતું, જે સતત પ્રયાસોના કારણે આજે એક ટકાથી પણ નીચે પહોંચી ગયું છે. તેમણે માહિતી આપી કે, માત્ર બી.એન. હાઈસ્કૂલમાં જ 24 એવા વિદ્યાર્થીઓનું ફરીથી નામ નોંધાયું છે, જેઓ અભ્યાસ વચ્ચે છૂટી ગયા હતા. તેમણે શિક્ષકોની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે, કોઈ વિદ્યાર્થી શાળાએ ન આવે તો શિક્ષકો તેના ઘરે જઈ વાલીઓને સમજાવી ફરીથી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો કરે છે.
દીકરીઓ માટે સરકારની વિશેષ યોજનાઓ
કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દ્વારા દીકરીઓને વધુ સારી શૈક્ષણિક તકો અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રાજ્ય સરકારનો પ્રયાસ છે કે વધુમાં વધુ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધે. શિક્ષિત દીકરી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવી અંગે સલાહ
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા ટીવી અને મોબાઈલના વધતા ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે, અભ્યાસ દરમિયાન મોબાઈલ અને ટીવીનો ઉપયોગ મર્યાદિત રાખવો જોઈએ. તેમણે હળવી શૈલીમાં કહ્યું કે જ્યારે માતા-પિતા ટીવી કે મોબાઈલ બંધ કરવાનું કહે ત્યારે બાળકોને તેમની વાત માનવી જોઈએ. જો જરૂરી હોય તો મોબાઈલ અને ટીવી માટે ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ જેથી અભ્યાસ પર તેની નકારાત્મક અસર ન પડે.
ગુજરાતના વિકાસમાં શિક્ષણની ભૂમિકા મહત્વપૂર્ણ
મુખ્યપ્રધાને જણાવ્યું કે, આજે ગુજરાતમાં વૈશ્વિક સ્તરની અનેક ઉદ્યોગ કંપનીઓ રોકાણ કરવા આવી રહી છે. રાજ્યનો વિકાસ અને રોજગારીની તકો વધે તે માટે શિક્ષિત અને કુશળ માનવબળ ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારનો હેતુ એવો વિકાસ કરવાનો છે, જેનો લાભ ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે. શિક્ષણ એ વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે અને તેથી જ રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. કાર્યક્રમના અંતે મુખ્યપ્રધાને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને જીવનમાં સતત શીખતા રહેવાની પ્રેરણા આપી હતી.






