Home Business Fuel Price Stabilization Fund India Lpg Petrol Diesel Plan

Cylinder Price Update: શું ગેસના ભાવ ઘટશે? : પેટ્રોલ-ડીઝલમાં પણ મળશે રાહત? જાણો શું છે સરકારનો પ્લાન

Cylinder Price Update
Published by: Viral Patel
Last Updated: Apr 18, 2026, 04:03 AM IST

Cylinder Price Update: સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG)ની કિંમતોને લઈને ચિંતાનો માહોલ છે. છેલ્લા બે મહિનાથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોકેડ (સમુદ્રી માર્ગમાં અવરોધ)ને કારણે દેશમાં તેલ અને ગેસનું સંકટ ઊભું થયું છે, જેના કારણે વધતી મોંઘવારીએ દેશવાસીઓની ટેન્શન વધારી દીધી છે. ભવિષ્યમાં આવી સ્થિતિથી બચવા માટે કેન્દ્ર સરકાર એક ખાસ યોજના પર કામ કરી રહી છે.

જ્યારે કાચા તેલના સપ્લાયમાં સંકટ આવે છે, ત્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ જાય છે અને ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી જાય છે. ઘરનું બજેટ માંડ સેટ કર્યું હોય ત્યાં અચાનક ભાવવધારો થવાથી સામાન્ય માણસની આર્થિક સ્થિતિ ખોરવાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર એક 'સ્પેશિયલ ફાઇનાન્શિયલ સિસ્ટમ' બનાવવાનું વિચારી રહી છે, જેથી સંકટના સમયે આ ત્રણેય વસ્તુઓની કિંમતોને નિયંત્રિત કરી શકાય.

આ પણ વાંચો: લોકસભા ટેસ્ટમાં કેન્દ્ર સરકાર 'ફેલ' : મહિલાઓ માટે 33% આરક્ષણનો માર્ગ અટક્યો: સદનમાં કેમ પાસ ન થયું બિલ?

સ્ટેબિલાઇઝેશન ફંડ (કિંમત સ્થિરતા ભંડોળ)

કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે દેશની જનતા પર મોંઘવારીનો બોજ વધ્યો છે. તેથી એક વિશેષ નાણાકીય વ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હાલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સ્તરે વિચારણા હેઠળ છે. આ સિસ્ટમ બીજું કંઈ નહીં પણ વર્ષ 2015માં બનાવવામાં આવેલું 'સ્ટેબિલાઇઝેશન ફંડ' (Stabilization Fund) છે.

શું છે સ્ટેબિલાઇઝેશન ફંડ?

વર્ષ 2015માં કેન્દ્ર સરકારે દાળ, ડુંગળી, બટાકા અને ટામેટા જેવી રોજબરોજની વસ્તુઓ માટે સ્ટેબિલાઇઝેશન ફંડ બનાવ્યું હતું. જ્યારે દેશમાં મોંઘવારી વધી જાય અને આ વસ્તુઓના ભાવ આસમાને પહોંચે, ત્યારે સરકાર આ ફંડનો ઉપયોગ કરીને તે વસ્તુઓની ખરીદી કરે છે અને બજારમાં વેચે છે. તેનાથી કિંમતો સ્થિર રહે છે. હવે સરકાર આવું જ એક ફંડ પેટ્રોલ, ડીઝલ અને ગેસ માટે પણ બનાવવા માંગે છે.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધના સૌથી મોટા સમાચાર : 49 દિવસ બાદ સંપૂર્ણપણે ખોલાશે હોર્મુઝ સ્ટ્રેટ , ઈરાની વિદેશ મંત્રીની જાહેરાત

આ ફંડ કેવી રીતે કામ કરશે?

આ ફંડ અંગે મળેલી માહિતી મુજબ, સરકાર ફંડ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને LPG ખરીદીને તેનો એક નિશ્ચિત જથ્થો (સ્ટોક) અનામત રાખશે. આ માટે સરકાર દેશની ઓઈલ રિફાઈનરી કંપનીઓ સાથે કરાર કરશે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો અચાનક વધશે અથવા સપ્લાયમાં અવરોધ આવશે, ત્યારે આ અનામત ભંડારમાંથી તેલ અને ગેસ વેચવામાં આવશે, જેથી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર રાખી શકાય.

સ્ટેબિલાઇઝેશન ફંડનો મુખ્ય હેતુ..

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફંડ કોઈ સબસિડી નથી, પરંતુ તેનો ઉપયોગ માત્ર કિંમતોને અંકુશમાં રાખવા માટે કરવામાં આવશે. આ ફંડ દ્વારા તૈયાર કરવામાં આવેલો સ્ટોક હાલના ઈમરજન્સી સ્ટોક કરતા અલગ હશે. હાલમાં ભારત પાસે 5.3 મિલિયન ટન કાચા તેલનો ભંડાર છે, જેનો ઉપયોગ કટોકટીના સમયે થાય છે, પરંતુ આ નવું ફંડ ખાસ કરીને ભાવમાં સ્થિરતા લાવવા માટે બનાવવામાં આવશે. જો આ યોજના સફળતાપૂર્વક લાગુ થશે, તો આંતરરાષ્ટ્રીય ઉતાર-ચઢાવ છતાં સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવથી મોટી રાહત મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now