Home Gujarat Fraud Of Lakhs In The Name Of Providing Jobs In Australia

મોંઘો પડ્યો મોહ! ઓસ્ટ્રેલિયામાં નોકરી અપાવવાના નામે લાખોની છેતરપિંડી : મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ

મોંઘો પડ્યો મોહ! ઓસ્ટ્રેલિયામાં નોકરી અપાવવાના નામે લાખોની છેતરપિંડી
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 11:39 AM IST

રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે વિદેશ જવાની ઘેલછા ધરાવતા નાગરિકોને નિશાન બનાવતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ‘રોયલ એડિલેડ હોસ્પિટલ’માં નોકરી અપાવવાના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ. 50,75,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

નોકરીની લાલચ ભારે પડી

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓએ પોતાને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલના કર્મચારી તેમજ વિઝા એજન્ટ તરીકે રજૂ કરી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. નોકરી અપાવવાની લાલચ આપી વિઝા, પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચના નામે અલગ-અલગ બેંક ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. લાંબા સમય સુધી ન તો નોકરી મળી અને ન તો વિઝાની કોઈ કાર્યવાહી થઈ, ત્યારબાદ ફરિયાદીને છેતરપિંડી થયાની જાણ થઈ હતી.

આ મામલે છેવટે તા. 30/12/2025ના રોજ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી.

વિવેક કુસવાહની ધરપકડ

ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ પુરાવાના આધારે તપાસ કરતા પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે રહેતા વિવેક કુસવાહ (ઉંમર 20 વર્ષ) નામના શખ્સની ઓળખ કરી તેને ઝડપી લીધો છે. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં અન્ય સાગરીતો અને છેતરપિંડીના વધુ કેસો અંગે ખુલાસો થવાની શક્યતા છે. આ ઘટનાથી ફરી એક વખત વિદેશ નોકરી અને વિઝાના નામે થતી છેતરપિંડી સામે ચેતવણી મળી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે વિદેશ જવા અથવા નોકરી મેળવવાના નામે અજાણ્યા વ્યક્તિઓ અથવા શંકાસ્પદ એજન્ટો પર વિશ્વાસ ન કરે અને કોઈ પણ લેવડદેવડ કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now