Javahar Chavda: ગોપાલ ઈટાલિયા સામે ભાજપમાંથી કિરીટ પટેલને વિસાવદરથી ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોની સાથો-સાથ ભાજપના નેતા જવાહર ચાવડાની જય ના નારા લાગ્યા હતા, જે ઘટનાક્રમ બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છેકે, જ્યાં-જ્યાં પણ ઈટાલિયાની જીત થઈ છે ત્યાં તેની જીત પાછળ અને ભાજપના ઉમેદવારને હરાવવા પાછળ ભાજપના જ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો હાથ છે. જે બાદ રાજકીય ગલિયારોમાં ચર્ચા શરૂ થઈ કે, જવાહર ચાવડા હવે ભાજપમાંથી રાજીનામું આપી દેશે ત્યારે આ બધાની વચ્ચે તેમણે મહિલાની રોજગારી અંગે ચિંતા વ્યક્ત કરતો વીડિયો શેર કર્યો છે.
''ભેદભાવ અને ભ્રષ્ટાચારના કારણે કામ નથી મળતું''
ઉમાશંકર જોષીની પંક્તિ ''મૌન તોડીને બોલી છે, સ્ત્રી હવે કાવ્ય નહીં, ક્રાંતિ છે.” લખી જવાહર ચાવડાએ વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, ''નસમકાર, આજે મારે દીકરીઓ, બહેનો અને માતાઓને કહેવું છે કે, રોજગાર સહાયત અભિયાન પર આપ સૌના પ્રતિભાવની જાણકારી મને મળી, કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી માટે સ્ત્રીઓને હજુ પણ પુરુષો કરતા વધારે સંઘર્ષ કરવો પડે છે. આવડત અને લાયકાત હોવાથી ભેદભાવ અને ભ્રષ્ટાચારના કારણે કામ નથી મળતું, અને મળે તો યોગ્ય વળતર મળતું નથી''.
''આ મુદ્દે હું ગંભીરતાથી વિચારૂ છું''
તેમણે કહ્યું કે, ''મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કેળવણીની વાતો કરવી તે ફક્ત નહીં ચાલે પણ એના કરતા રોજગાર પણ ઉભો કરવો પડશે અને યોગ્ય તકો પણ આપવી પડશે, આ મુદ્દે હું ગંભીરતાથી વિચારૂ છું અને ટૂંક સમયમાં સૌન રૂબરૂ મળવા માંગું છે આ માટે તમારા વિસ્તારોમાં આવીશ અને રોજગારનો પ્રશ્ન હલ કરવા માટે નક્કર પગલા લેવાની દિશામાં આગળ વધીશું''
કેમ ચર્ચામાં છે જવાહર ચાવડા?
રાજકીય પંડિતોની માનીએ તો નજીકના સમયમાં ગુજરાતની રાજનીતિમાં યૂ-ટર્ન આવી શકે છે. જવાહર ચાવડા એટલાં માટે ચર્ચામાં છે કારણ કે, ગોપાલ ઈટાલિયાની જીતમાં જે 13 ગામોમાંથી આમ આદમી પાર્ટીને વધારે મત મળ્યાં ત્યાં જવાહર ચાવડાનો પ્રભાવ છે. તેનો અર્થ એવો પણ રાજકીય પંડિતો માની રહ્યાં છે કે, જવાહર ચાવડાએ ભાજપને હરાવીને AAPના ઉમેદવારને જીતાડવા પોતના પ્રભુત્વ ધરાવતા ગામોમાં અપીલ કરી હોય એ વાત પણ અહીં સાંકેતિક રીતે દેખાઈ આવે છે.
કોણ છે જવાહર ચાવડા?
જવાહર ચાવડા ભાજપના એક જાણીતા નેતા છે અને ભાજપની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે, તેઓ મૂળ કોંગ્રેસના નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા, જેના કારણે તેમને 'બળવાખોર નેતા' તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં ભાજપમાંથી પણ મંત્રી પદ જતુ રહેતા હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં હોવાનું ચર્ચામાં છે. એ જ કારણ છે કે, તેમની આમ આદમી પાર્ટી સાથે નીકટતા પણ વધી ગઈ છે. આ ઉપરાંત જવાહર ચાવડા પોતે રજવાડું ધરાવે છે.






