Home Gujarat Firing At A Wedding In Limbayat Area Of Surat

સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગોળીબાર : યુવકના પગમાં વાગી ગોળી, ખુશીના માહોલ વચ્ચે દહેશત

સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગોળીબાર
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2026, 12:23 PM IST

સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ગોળીબારની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. શાંતિનગર પોલીસ ચોકી નજીક યોજાયેલા હલ્દી કાર્યક્રમ દરમિયાન અચાનક ફાયરિંગ થતા ખુશીનો માહોલ એકાએક દહેશતમાં ફેરવાઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ પિન્ટુ નામના યુવકને નિશાન બનાવી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળી તેના પગમાં વાગતાં તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

પોલીસ ચોકીની બાજુમાં ગોળીબાર

ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ ચોકીની બાજુમાં જ આ પ્રકારનો હુમલો થતાં કાયદો-વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. ઘટના અંગે જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. હુમલાખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. લિંબાયત વિસ્તારમાં વધારાની પોલીસ તહેનાત કરવામાં આવી છે અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, જ્યારે પોલીસ દ્વારા જલદી આરોપીઓને ઝડપી લેવાની ખાતરી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now