અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં બે આગની ઘટના સામે આવી હતી. જેમાં હીરાવાડી પાસે આર.બી.ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજમાં કોમ્પ્યુટર લેબમાં આગ લાગી હતી. તેમજ કઠવાડા-સિંગરવા રોડ પર પ્લાસ્ટીકના દાણા બનાવવાની કંપનીમાં આગ લાગી હતી. જોકે બંને બનાવમાં ફાયરબ્રિગ્રેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને બનાવોમાં કોઇ જાનહાનિ સામે આવી નથી.
હિરાવાડી પાસે આવેલ આર.બી.ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજમાં સોમવારે સવારે 11 વાગ્યે કોમ્પ્યુટર લેબમાં કુલ 50 કોમ્પ્યુટર અને લેપટોપ હતા. ત્યારે એક સાથે કોમ્પ્યુટરો ચાલુ કરતા ઓવરલોડિંગના કારણે ઇલેક્ટ્રીક વાયરમાં ખામી સર્જાતા અચાનક આગ લાગી હતી. ત્યારે આગ લાગતા ત્યાં ત્રણ જેટલા વ્યક્તિઓ બહાર દોડી આવ્યા હતા. જ્યારે ઇલેકટ્રીક વસ્તુઓ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેથી ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની ત્રણ ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને પાણીનો મારો ચલાવીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
જો કે 10 કોમ્પ્યુટર આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે આગની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી. બીજી ઘટનામાં કઠવાડા-સિંગરવા રોડ પર આવેલ સ્વામિનારાયણ એસ્ટેટમાં આવેલ સાત્વી પ્લાસ્ટીક નામની કંપનીમાં પ્લાસ્ટીકના દાણા બનાવતી વખતે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ત્યારે પ્લાસ્ટીકનો માલસામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.
આગના ધૂમાડા બે કિલોમિટર દૂર સુધી જોવા મળ્યા હતા. ત્યારે આગ લાગતા જ ત્યાં કામ કરતા પાંચ જેટલા કર્મીઓ બહાર દોડી આવ્યા હતા. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની ચાર ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને એક કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી. જ્યારે ક્યા કારણોસર આગ લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યુ નથી.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






