Home Gujarat Father Son Attacked Over Old Enmity Complaint Filed Against Two Brothers

જૂની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો : બે ભાઈઓ સામે ફરિયાદ

જૂની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 06:21 PM IST

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં બે ભાઈઓએ પાડોશી પિતા અને પુત્ર પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. યુવક મંદિર પાસે પોતાના સંબંધી સાથે બેઠેલો હતો ત્યારે શખ્સે કેમ સામે જોવે છે તે કહેતાં ઝઘડો શરૂ થયો હતો. પીડિત તરફથી બંને આરોપીઓ સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સ્થાનિક રહેવાસી જ્યંતિભાઈ દંતાણી લસણ વેચવાનો વ્યવસાય કરે છે. 25મેના રોજ સાંજે તેઓ તેમના સંબંધી શશીભાઈ નાઉ સાથે મહાલક્ષ્મી ફ્લેટ નજીક આવેલા મંદિરના ઓટલા પર બેઠેલા હતા. તે દરમ્યાન ડાયાભાઈ દંતાણી ત્યાંથી પસાર થયો હતો અને અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને જ્યંતિભાઈને “તું કેમ સામે જોવે છે?” કહીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

ઝઘડો હિંસક બની જતા ડાયાભાઈએ લોખંડની પાઇપ લઇને જ્યંતિભાઈ પર હુમલો કર્યો હતો. તે સમયે જ્યંતિભાઈનો પુત્ર નિતેશ ત્યાં આવ્યો તો તેને પણ લાઠીથી માર મારવામાં આવ્યો હતો. થોડા સમય બાદ ડાયાભાઈનો ભાઈ અમરત પણ ઘટના સ્થળે આવ્યો અને બન્ને ભાઈએ મળીને પિતા-પુત્રને ફટકારી દીધા હતા.

ઘટનાથી શોર મચતાં આસપાસના લોકોએ દોડી આવીને છૂટાવ્યા હતા. ઇજાગ્રસ્ત જ્યંતિભાઈ અને નિતેશને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે જ્યંતિભાઈ દંતાણીની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈ અને અમરત દંતાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now