સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામના ખેડુતો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે, કારણ કે ગામની સીમથી પસાર થતો વર્ષો જૂનો ખેતરાઉ માર્ગ રેલવે વિભાગ દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે, હવે ખેડુતોને પોતાના ખેતરો સુધી પહોંચવા માટે લગભગ પાંચ કિલોમીટરનો ફેરફાર કરીને જવું પડી રહ્યું છે.
બજાણા ગામના આ માર્ગનો ઉપયોગ સ્થાનિક ખેડુતો વર્ષોથી પોતાના ખેતરમાં ખેતી કરવા, સિંચાઈની કામગીરી માટે અને ટ્રેક્ટર કે વાહનો લઇ જવા માટે કરતા હતાં. આમ છતાં, રેલવે દ્વારા કોઈ પૂર્વसूચના વિના આ રસ્તો બંધ કરી દેવાતા આજુબાજુના આશરે 100 ખેડુતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડુતોના કહેવા પ્રમાણે, તેમના 7/12 અને 8અ દસ્તાવેજોમાં પણ ખેતરમાં જવાનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. છતાં, અધિકારપત્ર હોવા છતા રેલવે દ્વારા માર્ગ અવરોધિત કરાતા હવે ખેતરો પડતર પડી જવાના એંધાણ છે. જો સમયસર માર્ગ ફરીથી ખુલ્લો કરવામાં નહિ આવે તો ખેતીની કામગીરી ઠપ્પ થઈ જશે અને ખેડૂતોને આર્થિક નુકસાન પણ વેઠવું પડશે.
આ બાબતે રોષે ભરાયેલા ખેડુતો આજે કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા અને સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી હતી. તેઓએ ચેતવણી આપી છે કે જો સમયસર પગલાં નહીં લેવાય, તો ઉપવાસ આંદોલન અથવા મોટા પાયે રેલવે વિરોધી આંદોલન કરવાની ફરજ પડશે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





