Gujarat ATS: ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલાં ચાર આતંકીઓની હાલ સઘન તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છેકે, આ આતંકીઓ ગુજરાતમાં મોટી ઘટનાને અંજામ આપીને ભારત છોડવાની ફિરાકમાં હતા. જોકે, આતંકીઓ પોતાની મેલી મુરાદમાં સફળ થાય એ પહેલાં જ ગુજરાતના આતંકવાદ વિરોધી દળ દ્નારા તેને દબોચી લેવામાં આવ્યાં છે.
એટલું જ નહીં આ ઉપરાંત અન્ય મહત્ત્ની માહિતી પણ આ કેસમાં સામે આવી છે. જેમાં તપાસ કરતા માલુમ પડ્યું છે્કે, અમદાવાદના રહેવાસી ફરદીન શેખ અને UPના ઝીશાન અલીએ ગુજરાતમાં મોટો આતંકી હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. સુરક્ષા એજન્સીઓ સતત આ પ્રકારના તત્વોની શોધમાં હતી. એવામાં ગુજરાત ATSને સોશિયલ મીડિયાની ચેટમાં શંકાસ્પદ વિગતો મળતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો છે.
પાકિસ્તાનના આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા માટે સુચના આપી દેવામાં આવી હતી. જેના ભાગરૂપી અન્ય સુરક્ષા એજન્સીઓની સાથો-સાથ આતંકવાદ વિરોધી દળ એટલેકે, એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોટ ATSને પણ એક્ટીવ રહેવાના આદેશ અપાયા હતાં. જેથી ગુજરાત ATSની ટીમ સતત શંકાસ્પદ ગતિવિધીઓ પર નજર રાખવાનો પ્રયાસ કરી રહી હતી. એવામાં સોશિયલ મીડિયા પરથી તેમના હાથ લાગી મહત્ત્વની માહિતી.
આ ઓપરેશન અંતર્ગત અમદાવાદના ફતેહવાડી, મોડાસા, દિલ્હી અને નોઈડામાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. પહેલો આરોપી, મોહમ્મદ ફરદીન શેખ, અમદાવાદના ગુલમહોર ટેનામેન્ટમાંથી ઝડપાયો હતો. તેની પાસેથી ઉશ્કેરણીક સાહિત્ય અને ચેટ્સ મળ્યાં હતા, જે તેના આતંકી પ્લાનમાં સામેલ હોવાનો પુરાવો પૂરાં પાડે છે. તેની પૂછપરછના આધારે મોડાસાના સૈફુલ્લા કુરેશી, દિલ્હીનો મોહમ્મદ ફૈક અને નોઈડાનો ઝીશાન અલી પણ ઝડપાયા.
ATSની તપાસમાં ખુલ્યું છે કે આ ચારેય ભારતમાં મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા અને પછી અરબી દેશમાં ફરાર થવાનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા ચેટ્સમાં તેઓ સાતથી વધુ આતંકી ગ્રુપમાં એક્ટિવ હતા, જેમાં કુલ 20થી વધુ સભ્યો હોવાની આશંકા છે.
ઝડપાયેલા આરોપીઓ:
મોહમ્મદ ફૈક રિઝવાન (દિલ્હી)
મોહમ્મદ ફરદીન રઈસ (ફતેહવાડી, અમદાવાદ)
સૈફુલ્લા કુરેશી રફીક (મોડાસા)
ઝીશાન અલી આસિફ (સેક્ટર 63, નોઈડા)
દિલ્હીનો મોહમ્મદ ફૈક પાકિસ્તાની સંપર્કમાં હોવાનું પણ ખુલ્યું છે. તેની મદદથી કયા પાકિસ્તાની વ્યક્તિ સાથે સંપર્ક સાધાયો હતો, તે જાણવા માટે હવે કેન્દ્રિય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. ગુજરાત ATSની સતર્કતા અને ઝડપથી એક મોટી દુર્ઘટના ટળી છે. વધુ તપાસ ચાલુ છે. ઝીશાન અલીએ આતંકી હુમલાના હેતુથી હથિયાર પણ વસાવ્યા હતા. જયારે ફૈક અને કુરેશી સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી વિચારસરણી તરફ દોરી જઈને આતંકી પ્રવૃત્તિ માટે તૈયાર કરતા હતા.





