Home Gujarat Family Concerned Over Indian Youth Caught In Russia Ukraine War

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય યુવાન મામલે ચિંતામાં પરિવાર : 'સાહિલને ભારત સરકાર પરત લાવે'

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય યુવાન મામલે ચિંતામાં પરિવાર
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 04:28 AM IST

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધમાં એક ભારતીય યુવાન સાહિલ ફસાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. સાહિલ હાલમાં યુક્રેનમાં અટવાઈ ગયો છે, જેને લઈ તેના પરિવારજનો ખાસ કરીને તેની માતા ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. સાહિલની માતાએ ભારત સરકારને ભાવુક અપીલ કરી છે કે તેમના પુત્રને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે.

'...તો તેની જાનને ગંભીર ખતરો છે'

સાહિલની માતાનો ગંભીર આક્ષેપ છે કે, જો સાહિલને યુક્રેન તરફથી રશિયાને સોંપવામાં આવશે તો તેની જાનને ગંભીર ખતરો છે અને તેને મારી નાખવામાં પણ આવી શકે છે. તેમણે દાવો કર્યો છે કે સાહિલે રશિયાની અનેક મહત્વની પોલ અને માહિતી યુક્રેનને આપી હતી, જેના કારણે સાહિલ રશિયન સત્તાવાળાઓના નિશાને આવી ગયો છે. આ પરિસ્થિતિને કારણે સાહિલનું જીવન સતત જોખમમાં હોવાનું તેમણે જણાવ્યું છે.

'...અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે'

માતાએ જણાવ્યું કે સાહિલને બચાવવા માટે તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગુજરાત સરકાર તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પરિવારને ભારે નિરાશા અને અસહાયતા અનુભવવી પડી રહી છે.

સાહિલનો પરિવાર ચિંતામાં

સાહિલની માતાએ વધુમાં જણાવ્યું કે, 'જો ભારત સરકાર ઈચ્છે અને યોગ્ય કૂટનીતિક પ્રયત્ન કરે તો યુક્રેન સરકાર સાહિલને ભારત મોકલવા માટે તૈયાર છે. તેમનો આક્ષેપ છે કે માત્ર ભારત સરકારની દખલ અને નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈ સાહિલનો પરિવાર સરકાર સામે આશા સાથે સાથે ભયમાં પણ જીવી રહ્યો છે અને તેમના પુત્રને સલામત પરત લાવવા માટે સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માંગ કરી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now