Home Tech/Gadgets Fake Smartphone Scam Delhi Police Imei Verification Sanchar Saathi

બજારમાં નકલી સ્માર્ટફોનનું આવ્યું પૂર : સસ્તા ફોનની લાલચમાં આવતા પહેલાં કરો અસલી-નકલીની ઓળખ

બજારમાં નકલી સ્માર્ટફોનનું આવ્યું પૂર
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 01:30 AM IST

ટેકનોલોજીના આ યુગમાં સ્માર્ટફોન ખરીદતી વખતે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. હાલમાં જ દિલ્હી પોલીસે એક એવા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે નકલી Samsung Galaxy ફોન એસેમ્બલ કરીને માર્કેટમાં અસલી તરીકે વેચતા હતા. પોલીસે આ મામલે 4 શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી 500 જેટલા નકલી હેન્ડસેટ જપ્ત કર્યા છે. આ ગેંગ વિદેશથી પાર્ટ્સ મંગાવીને સ્થાનિક સ્તરે ફોન તૈયાર કરતી અને ગ્રાહકોને ઓછી કિંમતની લાલચ આપીને છેતરતી હતી. આવી સ્થિતિમાં તમારી મહેનતની કમાણી બરબાદ ન થાય તે માટે ફોનની અસલિયત ચકાસવી અનિવાર્ય છે.

ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

પોલીસ અને નિષ્ણાતોના મતે, હંમેશા અધિકૃત રિટેલર્સ (Authorized Retailers) પાસેથી જ સ્માર્ટફોન ખરીદવો જોઈએ. જો કોઈ અજાણી વ્યક્તિ કે નાની દુકાન પર મોંઘો ફોન અડધી કિંમતે મળતો હોય, તો તે નકલી હોવાની શક્યતા વધુ છે. ફોન ખરીદતી વખતે તેના પેકેજિંગ અને બોક્સની ગુણવત્તા તપાસો. અસલી ફોનનું બોક્સ પ્રીમિયમ ક્વોલિટીનું અને પ્રોપર સીલ કરેલું હોય છે. બોક્સ પર લખેલા મોડલ નંબર અને સીરીયલ નંબરને ફોનના સેટિંગ્સ સાથે જરૂર મેચ કરો.

IMEI નંબર: અસલી ફોન ઓળખવાનું સૌથી મોટું હથિયાર

દરેક અસલી સ્માર્ટફોનનો એક યુનિક IMEI (International Mobile Equipment Identity) નંબર હોય છે. ફોન નકલી છે કે અસલી તે જાણવા માટે નીચેની રીતો અપનાવો:

  • IMEI જાણવા માટે: ફોનના ડાયલપેડ પર *#06# ડાયલ કરો. સ્ક્રીન પર દેખાતો 15 અંકનો નંબર નોંધી લો.

  • KYM (Know Your Mobile) એપ: ભારત સરકારની આ સત્તાવાર એપ દ્વારા તમે ફોનનું સ્ટેટસ ચેક કરી શકો છો. જો ફોન બ્લેકલિસ્ટ કે ચોરાયેલો હશે તો અહીં ખબર પડી જશે.

  • SMS દ્વારા તપાસ: તમારા ફોનમાંથી KYM <સ્પેસ> 15 અંકનો IMEI નંબર ટાઈપ કરી 14422 પર મેસેજ મોકલો. વળતા મેસેજમાં તમને ફોનની બ્રાન્ડ અને મોડલની વિગતો મળશે.

સંચાર સાથી (Sanchar Saathi) પોર્ટલનો ઉપયોગ

ભારત સરકારના 'સંચાર સાથી' પોર્ટલ પર જઈને પણ તમે હેન્ડસેટની વિશ્વસનીયતા ચકાસી શકો છો. પોર્ટલ પર 'Citizen Centric Services'માં જઈને 'Know Your Mobile' સેક્શન પર ક્લિક કરો. અહીં મોબાઈલ નંબર અને OTP દ્વારા વેરિફિકેશન કર્યા પછી IMEI નંબર સબમિટ કરવાથી ફોનનું આખું "રિપોર્ટ કાર્ડ" તમારી સામે આવી જશે. જો પોર્ટલ પર દેખાતી વિગતો અને તમારા હાથમાં રહેલા ફોનની વિગતો અલગ હોય, તો સમજી લેવું કે ફોન નકલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now