Home Gujarat Fake Ips Caught Cheating By Luring Him To Become Dcp

DCP બનાવવાની લાલચ આપી ઠગતો નકલી IPS ઝડપાયો : કરોડોની ઠગાઈનો પર્દાફાશ,આખું રેકેટ ઝડપાયું, પોલીસે કરી ખાસ અપીલ

DCP બનાવવાની લાલચ આપી ઠગતો નકલી IPS ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 02:26 PM IST

Rajkot Fake IPS officer : રાજકોટ શહેરમાં નકલી IPS અધિકારી બની કરોડોની ઠગાઈ કરનાર એક શખ્સની ધરપકડ થતાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપી જાહેર કાર્યક્રમોમાં બોડીગાર્ડ સાથે ફરતો અને પોતાને IPS અધિકારી તરીકે ઓળખ આપી લોકો પર રોફ જમાવતો હતો. તેની વાતચીત અને દેખાવથી લોકો વિશ્વાસમાં આવી જતા હતા, જેના આધારે તેણે અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે.

PSI તેમજ ડાયરેક્ટ DSP બનાવવાની લાલચ આપતો

મળતી માહિતી મુજબ, આરોપી ખાસ કરીને માલધારી સમાજના પરિવારના સંતાનોને PSI તેમજ ડાયરેક્ટ DSP બનાવવાની લાલચ આપીને મોટી રકમ પડાવતો હતો. પોતાને ફિલ્મ પ્રોડ્યુસર ગણાવતો આ શખ્સ નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોતાના સંબંધો હોવાની ખોટી વાતો કરી લોકોને વિશ્વાસમાં લેતો હતો. તે જાહેરમાં મોટા માણસ તરીકે વર્તન કરી પોતાનું ખોટું વટ ઊભું કરતો હતો.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

આ સમગ્ર કૌભાંડ ભાવનગરના એક અન્ય શખ્સ સાથે મળીને ચલાવવામાં આવતું હતું. બંને મળીને નોકરીની શોધમાં રહેલા ઉમેદવારોને નિશાન બનાવી તેમને સરકારી નોકરી અપાવવાની ખોટી ખાતરી આપતા અને ત્યારબાદ લાખો-કરોડોની રકમ ઉઘરાવતા હતા. આ રીતે નોકરી વાચ્છુકોને શિકાર બનાવવાનું આખું રેકેટ ચાલી રહ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ ઠગાઈમાંથી મળેલા નાણાં ક્યાં વાપરવામાં આવ્યા, તેમજ આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ આ કેસને ગંભીરતાથી લઈ તપાસ તેજ કરી છે.

સમગ્ર નેટવર્કનો પર્દાફાશ

આ મામલે DCP જગદીશ બાંગરવાએ જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, જો આ ઠગ ટોળકી દ્વારા અન્ય કોઈ વ્યક્તિ છેતરાઈ હોય તો તેઓ તાત્કાલિક રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, જેથી વધુ ભોગ બનેલા લોકો સામે આવી શકે અને સમગ્ર નેટવર્કનો ખુલાસો થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now