ગુજરાતમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો નવા નથી. હવે હોમગાર્ડઝમાં અધિકારી પદ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા પર ગંભીર શંકાઓ ઉઠી રહી છે. મહેસાણાના સૂંઢિયા ટ્રેનિંગ સેન્ટરમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલી કંપની કમાન્ડન્ટ અને ડિવિઝનલ કમાન્ડન્ટની પરીક્ષા "બંધ બારણે" યોજાતી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે પત્રકાર પરિષદમાં આ મામલે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, “આ પરીક્ષા માટે કોઇ સત્તાવાર જાહેરનામું કે પરિપત્ર બહાર પડ્યું નથી, અને ખાસ વાત એ છે કે માત્ર ભાજપના કાર્યકર્તાઓ અને આરએસએસ સાથે જોડાયેલા લોકોની પસંદગી કરીને તેમને જ પરીક્ષામાં બેસવાની મંજૂરી અપાઈ છે.”
તેઓએ વધુમાં કહ્યું કે, “પહેલાંના પદોની નિયમિતતા મુજબ યોગ્યતામાં ન આવતા ઉમેદવારોને પણ પસંદગી આપી પરીક્ષામાં બેસાડવામાં આવ્યા છે. અમુક ઉમેદવારો તો એવા છે જેમની ફરજ હાજરી માત્ર ૨૦% છે છતાં તેઓ માત્ર રાજકીય જોડાણના આધારે પરીક્ષામાં સામેલ થયા છે.”
કોંગ્રેસે આ મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કરતા જણાવ્યુ છે કે, હોમગાર્ડઝના સામાન્ય સભ્યો માટે અનેક કડક નિયમો હોવા છતાં અધિકારીઓ માટે આવા કોઈ નિયમો લાગુ નથી થતા. "એક પરીક્ષા આપ્યા પછી એક વર્ષનો ગેપ આવશ્યક હોવો જોઈએ" જે નિયમ અધિકારીઓ માટે લાગુ પડતો નથી.
હિરેન બેન્કરે વધુ ખુલાસો કર્યો કે, “ઘણાં ઉમેદવારો છેલ્લાં ૧૫ વર્ષથી પોતાના યુનિટથી દૂર રહે છે, અને કામગીરીમાં કોઈ હાજરી નથી હોવા છતાં તેમના નામ રોલ પર છે અને તેઓને પરીક્ષામાં મોકલવામાં આવ્યા છે. શંકા એ છે કે આ સર્વ પ્રક્રિયા આરએસએસના સૂચન અને વહીવટ હેઠળ ચાલી રહી છે.”
આ સમગ્ર મુદ્દો હોમગાર્ડ દળના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે. તેઓ માત્ર બે મહિનામાં નિવૃત્ત થવા પામવાના છે. પ્રશ્ન એ છે કે શું નિવૃત્તિ પૂર્વે કોઈ ખાસ વ્યક્તિઓને અધિકારી બનાવવાના આશયથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે?
કોંગ્રેસે રાજ્ય સરકારને આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ સાથે તાત્કાલિક તપાસની માંગ કરી છે. પક્ષે આ મામલે દંડાત્મક કાર્યવાહી ન થાય તો રાષ્ટ્રીય સ્તરે રજુઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





