LPG બાટલાની કિંમતમાં થઈ રહેલા વધારા અને LPG બાટલાની ઘટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ આ સમાચાર સાંભળી તમે રાહતનો શ્વાસ લેશો. હવે તમારે ગેસ એજન્સીની ઓફીસ બહાર ઉભુ રહેવું નહીં પડે. કેન્દ્ર સરકાર હવે કોમર્શિયલ રસોઈ માટે ઈથેનોલનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. ઈથેનોલ વધારાની ડિહાઈડ્રેશન પ્રક્રિયામાંથી પસાર થતું નથી તેથી તેનો ખર્ચ પણ ઓછો આવે છે.
ઈથેનોલ શું છે?
ઈથેનોલ એક પ્રકારનું બાયોફ્યુઅલ છે જે મુખ્યત્વે શેરડી, મકાઈ જેવા કૃષિ ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે. અત્યાર સુધી તેનો ઉપયોગ મુખ્યત્વે પેટ્રોલ સાથે મિશ્રણ કરવા થતો હતો. હવે સરકાર ઈથેનોલનો ઉપયોગ રસોઈ વપરતા ગેસના બાટલા માટે કરવાની વિચારણ કરી રહી છે. ખાસ કરીને હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા મોટા કુકિંગ સેટઅપ માટે આ વિકલ્પ ઉપયોગી બની શકે છે.
શું છે સરકારની યોજના
સરકાર હાલમાં ઈથેનોલ આધારિત કુકિંગ સિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહી છે. તેમાં ખાસ પ્રકારના સ્ટવ અને બર્નર તૈયાર કરવામાં આવશે જે ઈથેનોલ પર ચાલશે. આ યોજના શરૂઆતમાં હોટેલ, ઢાબા અને રેસ્ટોરન્ટ માટે લાગુ કરવામાં આવી શકે છે. તેનું કારણ એ છે કે હોટેલ, ઢાબા અને રેસ્ટોરન્ટમાં ગેસનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે.
આ પણ વાંચો: LPG Pipeline Update: હવે ડાયરેક્ટ થશે ગેસની સપ્લાય : દેશમાં પથરાશે 2,500 કિમી લાંબી LPG પાઇપલાઇન
LPGનો વિકલ્પ કેમ શોધાઈ રહ્યો છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં LPGના ભાવમાં વધારો થતા નાના અને મોટા વ્યવસાયોને ખર્ચનો ભારે બોજો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સસ્તા અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિકલ્પોની જરૂરિયાત વધી છે. ઈથેનોલ સ્થાનિક સ્તરે ઉત્પાદન થતું હોવાથી તે આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.
શું છે ફાયદા
1. ઈથેનોલ LPGની તુલનામાં સસ્તું પડી શકે છે, જેના કારણે વ્યવસાયિક ખર્ચ ઘટશે.
2. ઈથેનોલ બાયોફ્યુઅલ હોવાથી તે ઓછું પ્રદૂષણ ફેલાવશે જેથી પર્યાવરણને ઓછું નુકસાન થશે.
3. શેરડી અને કૃષિ ઉત્પાદનોના ઉપયોગથી ઈથેનોલ બનતું હોવાથી ખેડૂતોને પણ ફાયદો થશે. કેમકે ખેત ઉત્પાદનોની માંગ વધશે.
શું છે પડકારો
1. ઈથેનોલ સ્ટોરેજ અને સપ્લાય માટે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર પડશે.
2. રસોઈ માટે ઈથેનોલનો ઉપયોગ સુરક્ષિત રીતે થાય તે માટે કડક ધારા ધોરણો બનાવવાના રહેશે.
3. હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકો આ નવા વિકલ્પને કેટલું ઝડપથી સ્વીકારશે તે પણ મહત્વનો પડકાર છે.
જો આ યોજના સફળ થાય છે, તો ભારતના રસોઈ ક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. LPG પરની નિર્ભરતા ઘટશે અને વધુ ગ્રીન અને સસ્તા વિકલ્પો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, આ પગલું ભારતને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં પણ મદદરૂપ બની શકે છે. ખાસ કરીને નાના વ્યવસાયિકો માટે આ મોટો રાહતરૂપ પગલું સાબિત થઈ શકે છે.





