LPG Pipeline Update: ભારત સરકારે દેશમાં રસોઈ ગેસ (LPG) ની સપ્લાય ચેઈનને સંપૂર્ણપણે બદલવા અને તેને સુરક્ષિત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) એ દેશના વિવિધ ભાગોમાં 2,500 કિલોમીટર લાંબી ચાર મુખ્ય LPG પાઇપલાઇનના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પર અંદાજે ₹12,500 કરોડનું રોકાણ કરવામાં આવશે.
રસ્તાઓ પર ઘટશે ગેસ ટેન્કર, અકસ્માતનું જોખમ ઘટશે
હાલમાં LPGનો મોટો હિસ્સો રિફાઇનરીઓ અને બંદરોથી બોટલિંગ પ્લાન્ટ સુધી મોટા ટેન્કરો (બલ્ક ટેન્કર્સ) દ્વારા માર્ગ પરિવહન મારફતે પહોંચાડવામાં આવે છે. PNGRB મુજબ, માર્ગ અકસ્માતોના જોખમને ઘટાડવા માટે પાઇપલાઇન સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર માધ્યમ છે. પાઇપલાઇન દ્વારા ગેસ મોકલવાથી માત્ર પરિવહનનો ખર્ચ જ નહીં ઘટે, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.
આ 4 મુખ્ય પાઇપલાઇન પર કામ ચાલી રહ્યું છે:
આ વ્યૂહાત્મક પહેલ હેઠળ ચાર મુખ્ય રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જે રિફાઇનરીઓ અને ઇમ્પોર્ટ ટર્મિનલ્સને સીધા બોટલિંગ પ્લાન્ટ સાથે જોડશે..
ચેરલાપલ્લી – નાગપુર પાઇપલાઇન
શિક્રાપુર – હુબલી – ગોવા પાઇપલાઇન
પારાદીપ – રાયપુર પાઇપલાઇન
ઝાન્સી – સિતારગંજ પાઇપલાઇન
સપ્લાય સંકટ સમયે સ્ટોરેજ તરીકે કરશે કામ
આ પાઇપલાઇન માત્ર ગેસના પરિવહનનું માધ્યમ જ નહીં બને, પરંતુ જરૂરિયાતના સમયે સ્ટોરેજ (સંગ્રહ) તરીકે પણ કામ કરશે. જો મધ્ય પૂર્વમાં તણાવ અથવા અન્ય કોઈ કારણોસર સપ્લાય ચેઈન પ્રભાવિત થાય, તો આ પાઇપલાઇન દેશની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
આ પગલું શા માટે જરૂરી છે?
ભારત તેની LPG જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે. હાલમાં 9 LPG પાઇપલાઇન પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી આ ચાર પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. બંદરોને સીધા બોટલિંગ પ્લાન્ટ સાથે જોડવાથી ગેસ વિતરણની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં અનેકગણો વધારો થશે.





