નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ આવરી લેવાયેલા કર્મચારીઓને નોકરી ગુમાવ્યા બાદ મળતી આર્થિક સહાયની અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (ABVKY)ને હવે 30 જૂન 2027 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ યોજના 30 જૂન 2026 સુધી અમલમાં હતી. હવે એક વર્ષના વધારાથી નોકરી ગુમાવનારા પાત્ર કર્મચારીઓને નવી નોકરી મળે ત્યાં સુધી આર્થિક રાહત મળતી રહેશે. આ નિર્ણય કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ESICની 198મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારનું માનવું છે કે ખાનગી ક્ષેત્રમાં અચાનક નોકરી ગુમાવનાર કર્મચારીઓને આ યોજના મુશ્કેલ સમયમાં મહત્વપૂર્ણ આર્થિક આધાર પૂરો પાડશે.
શું છે અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના?
અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (ABVKY) એ ESIC હેઠળ નોંધાયેલા કર્મચારીઓ માટેની બેરોજગારી સહાય યોજના છે. જો કોઈ કર્મચારી પોતાની ભૂલ સિવાય અન્ય કારણોસર નોકરી ગુમાવે, તો તેને નિશ્ચિત સમયગાળા સુધી સરકાર તરફથી બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ કર્મચારીઓને નવી નોકરી શોધવા માટેનો સમય અને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે, જેથી નોકરી જતાં જ પરિવાર પર આર્થિક સંકટ ઊભું ન થાય.
કોને મળશે યોજનાનો લાભ?
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે. સૌપ્રથમ, અરજદાર છેલ્લા ઓછામાં ઓછા બે વર્ષથી ESIC હેઠળ વીમાધારક કર્મચારી હોવો જોઈએ. ઉપરાંત, નોકરી છૂટતાં પહેલાંની ચાર કોન્ટ્રિબ્યુશન પિરિયડમાં દરેક વખતે ઓછામાં ઓછા 78 દિવસનું ESIC યોગદાન જમા થયેલું હોવું જરૂરી છે. નોકરી ગુમાવવાનું કારણ કર્મચારીની પોતાની ભૂલ ન હોવું જોઈએ. કંપની બંધ થવી, કર્મચારીઓની છટણી અથવા અન્ય વહીવટી કારણોસર નોકરી જતી હોય ત્યારે જ લાભ મળશે. જો કર્મચારીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોય, VRS લીધું હોય અથવા શિસ્તભંગના કારણે નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હોય તો આ યોજનાનો લાભ મળવાનો નથી.
આ પણ વાંચો: ગુજરાતની નંબર-1 ITI બની તળાજા ITI : 100% પ્લેસમેન્ટ સાથે 1,675થી વધુ યુવાનોને અપાવી રોજગારી
કેટલું મળશે બેરોજગારી ભથ્થું?
યોજનાના નિયમો મુજબ પાત્ર કર્મચારીઓને વધુમાં વધુ 90 દિવસ (ત્રણ મહિના) સુધી બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે. આ ભથ્થાની રકમ કર્મચારીના અગાઉના સરેરાશ દૈનિક વેતનના 50 ટકા જેટલી હોય છે. આ રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવે છે.
અરજી કેવી રીતે કરવી?
યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીએ સૌથી પહેલાં ESICની સત્તાવાર વેબસાઇટ પર પોતાના Insured Person (IP) લોગિન દ્વારા પ્રવેશ કરવો પડશે અને પોતાની પાત્રતા ચકાસવી પડશે. ત્યારબાદ Form AB-1 (દાવા માટેનું ફોર્મ) અને Form AB-2 (બેરોજગારી અંગેનું સ્વ-ઘોષણાપત્ર) ડાઉનલોડ કરીને ભરવાનું રહેશે. અરજી કરતા પહેલાં અરજદારનું બેંક એકાઉન્ટ ESICના રેકોર્ડ સાથે લિંક થયેલું હોવું જરૂરી છે. ઓળખપત્ર તરીકે પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અથવા અન્ય માન્ય દસ્તાવેજો પણ જોડવાના રહેશે. ભરેલા ફોર્મ પર અગાઉના નોકરીદાતા પાસેથી પ્રમાણિત કરાવવું પડશે. જો કંપની બંધ થઈ ગઈ હોય અથવા પ્રમાણિત ન કરતી હોય તો ESICની સ્થાનિક શાખા દ્વારા પણ ફોર્મ પ્રમાણિત કરાવી શકાય છે. આ પછી તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી નજીકની ESIC શાખામાં જમા કરાવવાની રહેશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કર્મચારી નોકરી ગુમાવ્યાના 30 દિવસ પછી જ આ ભથ્થા માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો: NEETની ફી રિફંડ લેવા માટે હવે ગણતરીના કલાકો : આ તારીખ પછી NTA નહીં આપે એક પણ રૂપિયો
ESIC બેઠકમાં અન્ય મહત્વના નિર્ણયો પણ લેવાયા
ESICની બેઠકમાં માત્ર બેરોજગારી ભથ્થાની યોજના જ નહીં પરંતુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા.
હરિદ્વારમાં નવા મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત નવી દિલ્હીમાં ડેન્ટલ કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આયુષ મંત્રાલય સાથે મળીને ESIC હોસ્પિટલોમાં આયુષ આધારિત સારવારને પણ વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
સેવાઓ વધુ પારદર્શક અને ઝડપી બને તે માટે પાંચ નવા સબ-રીજનલ ઓફિસો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત સામાજિક સુરક્ષા સંહિતા-2020 હેઠળ Employee State Insurance (General) Regulations, 2026ને પણ મંજૂરી આપવામાં આવી છે.
લાખો ખાનગી કર્મચારીઓ માટે રાહત
દેશમાં ખાનગી ક્ષેત્રમાં રોજગારી સતત વધી રહી છે. જોકે આ ક્ષેત્રમાં નોકરીની અનિશ્ચિતતા પણ વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં નોકરી ગુમાવનાર કર્મચારીઓ માટે આવકનું કોઈ સાધન ન રહેતાં પરિવાર પર ગંભીર આર્થિક અસર પડે છે. સરકાર દ્વારા ABVKY યોજનાને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય એવા કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. નવી નોકરી શોધવાના સમયગાળા દરમિયાન મળતી આર્થિક સહાય તેમને જીવનનિર્વાહમાં મદદરૂપ બનશે. શ્રમ અને રોજગાર ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના સામાજિક સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને ESIC હેઠળ નોંધાયેલા લાખો કર્મચારીઓને મુશ્કેલ સમયમાં આર્થિક સંબળ પૂરું પાડશે. આગામી સમયમાં વધુ કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે જાગૃતિ અભિયાન પણ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





