Home Education/Career Atal Beemit Vyakti Kalyan Yojana Esic Job Loss Benefit Extended Till 2027

નોકરી ગુમાવનારાઓ માટે મોટી ખુશખબર! : સરકાર હવે 90 દિવસ સુધી આપશે અડધો પગાર, જાણો કેવી રીતે મળશે લાભ

Atal Beemit Yojana
Published by: Nirali Gohil
Last Updated: Jul 06, 2026, 11:34 AM IST

Atal Beemit Yojana: નોકરી જવી એ કોઈપણ વ્યક્તિ માટે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી એક ગણાય છે. આવકનું મુખ્ય સ્ત્રોત બંધ થતાં ઘરખર્ચથી લઈને દૈનિક જરૂરિયાતો સુધીની ચિંતા વધી જાય છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (ABIY) ફરી એક વખત ચર્ચામાં આવી છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ આ મહત્વપૂર્ણ યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે આ યોજના 30 જૂન 2027 સુધી અમલમાં રહેશે, જેના કારણે નોકરી ગુમાવનારા પાત્ર કર્મચારીઓને આગામી સમયમાં પણ આર્થિક સહાયનો લાભ મળતો રહેશે. યોજના હેઠળ પાત્ર કર્મચારીને નોકરી છૂટી ગયા બાદ 90 દિવસ સુધી તેના સરેરાશ વેતનના 50 ટકા જેટલી સહાય આપવામાં આવે છે.

ESICએ એક વર્ષ માટે વધાર્યો સમયગાળો

અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના અગાઉ 30 જૂન 2026ના રોજ પૂર્ણ થવાની હતી, પરંતુ ESICની 198મી બેઠકમાં તેને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ નિર્ણય બાદ યોજના હવે 1 જુલાઈ 2026થી 30 જૂન 2027 સુધી અમલમાં રહેશે. સરકારનું માનવું છે કે બેરોજગારીની સ્થિતિમાં કામદારોને તાત્કાલિક આર્થિક સહારો મળે તે માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

શું છે અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના?

અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના ESIC હેઠળ આવતી એક ખાસ સામાજિક સુરક્ષા યોજના છે, જે નોકરી ગુમાવનાર કર્મચારીઓને મર્યાદિત સમય માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ નોકરી ગુમાવ્યા બાદ પાત્ર કર્મચારીને 90 દિવસ સુધી તેના સરેરાશ પગારના 50 ટકા જેટલી સહાય આપવામાં આવે છે, જેથી તે નવા રોજગારની શોધ દરમિયાન પોતાના અને પરિવારના દૈનિક ખર્ચને સરળતાથી પૂરા કરી શકે. સૌથી મહત્વની વાત એ છે કે, આ લાભ મેળવવા માટે કર્મચારીને પોતાના પૂર્વ નોકરીદાતા અથવા કંપનીનો સંપર્ક કરવાની જરૂર પડતી નથી. અરજી પ્રક્રિયા સીધી ESICની શાખા મારફતે પણ પૂર્ણ કરી શકાય છે.

આ પણ વાંચો: ગુજરાતની નંબર-1 ITI બની તળાજા ITI : 100% પ્લેસમેન્ટ સાથે 1,675થી વધુ યુવાનોને અપાવી રોજગારી

કોને મળશે યોજનાનો લાભ?

યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. સૌ પ્રથમ કર્મચારી ESICમાં નોંધાયેલો હોવો જરૂરી છે. ઉપરાંત, કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી વીમાકૃત રોજગારમાં કામ કર્યું હોવું જોઈએ.

નોકરી ગુમાવ્યા બાદ જ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરી શકાય છે. જોકે, આ લાભ વ્યક્તિને જીવનમાં માત્ર એક જ વખત આપવામાં આવે છે. એટલે કે એક વખત યોજનાનો લાભ લઈ ચૂકેલા વ્યક્તિને બીજી વખત તેનો લાભ મળતો નથી.

90 દિવસ સુધી મળશે પગારનો અડધો હિસ્સો

આ યોજના હેઠળ પાત્ર કર્મચારીને બેરોજગારીના સમયગાળા દરમિયાન કુલ 90 દિવસ સુધી આર્થિક સહાય આપવામાં આવે છે. સહાયની રકમ કર્મચારીના સરેરાશ વેતનના 50 ટકા જેટલી હોય છે. સરકારનો હેતુ એ છે કે, નોકરી ગુમાવ્યા બાદ વ્યક્તિ તરત જ આર્થિક સંકટમાં ન ફસાય અને નવા રોજગારની શોધ માટે તેને થોડો સમય અને આર્થિક આધાર મળી રહે.

EPFOથી અલગ છે ESIC

ઘણા લોકો ESIC અને EPFOને એક જેવી સંસ્થા માને છે, પરંતુ બંને વચ્ચે મહત્વનો તફાવત છે. EPFO મુખ્યત્વે કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળ અને પેન્શન સંબંધિત સેવાઓ આપે છે, જ્યારે ESICનું મુખ્ય કાર્ય આરોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલું છે. ESIC હેઠળ કર્મચારીઓને સારવાર, માંદગી દરમિયાન સહાય, પ્રસૂતિ લાભ, અપંગતા ભથ્થું અને બેરોજગારી સહાય જેવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે.

નોકરી ગુમાવનારાઓ માટે મહત્વપૂર્ણ સહારો વધતી સ્પર્ધા અને બદલાતા રોજગાર બજારમાં નોકરી ગુમાવવાનો ભય હવે સામાન્ય બની રહ્યો છે. આવી સ્થિતિમાં અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ બની રહી છે. સરકાર દ્વારા યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લાખો ESIC સભ્યો માટે રાહતના સમાચાર સમાન માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ યોજના બેરોજગારીના સમયમાં આર્થિક સંબળ પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now