નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET UG 2026ની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. 3 મે, 2026ના રોજ યોજાયેલી NEET પરીક્ષા રદ થયા બાદ પરીક્ષા ફી પરત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે ફી રિફંડ મેળવવા માટે ઉમેદવારોને પોતાની બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની છેલ્લી તક આપવામાં આવી છે. NTAએ સ્પષ્ટ જણાવ્યું છે કે 7 જુલાઈ, 2026 સુધી બેંક વિગતો અપડેટ નહીં કરનાર ઉમેદવારોને ફી રિફંડ આપવામાં આવશે નહીં. NTAના જણાવ્યા અનુસાર, જેમણે સમયસર બેંક વિગતો સબમિટ કરી છે તેમના ખાતામાં રિફંડની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જોકે, અત્યાર સુધી પરીક્ષા આપનારા કુલ ઉમેદવારોમાંથી અડધાથી પણ ઓછા વિદ્યાર્થીઓએ બેંક વિગતો અપડેટ કરી છે. તેથી બાકીના ઉમેદવારોને અંતિમ તક આપવામાં આવી છે.
22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
NEET UG 2026ની પ્રથમ પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી, જેમાં દેશભરમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ કેટેગરી મુજબ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પણ ભરેલી હતી. જોકે, પરીક્ષા સંબંધિત વિવાદો અને પેપર લીકના મામલા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ NTAએ તમામ ઉમેદવારોને ફી પરત આપવાનો નિર્ણય લીધો હતો. ફી રિફંડ માટે ઉમેદવારોને પોતાના બેંક ખાતાની વિગતો ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી માત્ર 8,29,510 ઉમેદવારોએ જ પોતાની બેંક વિગતો સબમિટ કરી છે. એટલે કે હજુ પણ અંદાજે 14 લાખ જેટલા ઉમેદવારોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી.
7 જુલાઈ બાદ નહીં મળે રિફંડ
NTAએ સોશિયલ મીડિયા અને સત્તાવાર સૂચના દ્વારા સ્પષ્ટ કર્યું છે કે બેંક વિગતો અપડેટ કરવાની સમયમર્યાદા હવે વધારવામાં આવશે નહીં. 7 જુલાઈ પછી પોર્ટલ બંધ થઈ જશે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની બેંક માહિતી સ્વીકારવામાં આવશે નહીં. એજન્સીએ ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ છેલ્લી ઘડીએ વેબસાઇટ પર વધતા ટ્રાફિકથી બચવા માટે શક્ય તેટલી વહેલી તકે વિગતો અપડેટ કરી દે.
ફી રિફંડ માટે શું કરવું?
જે ઉમેદવારોએ હજુ સુધી બેંક વિગતો અપડેટ કરી નથી તેઓએ NTAની સત્તાવાર NEET વેબસાઇટ પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
સૌપ્રથમ ઉમેદવારે NEETની સત્તાવાર વેબસાઇટ પર જઈ "Final Opportunity to Confirm/Update Bank Account Details for NEET (UG) 2026 Fee Refund (Exam held on 03 May 2026)" લિંક પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ પોતાના એપ્લિકેશન નંબર અને અન્ય જરૂરી વિગતો દ્વારા લોગિન કરવાનું રહેશે.
લોગિન થયા બાદ ઉમેદવારે પોતાના બેંક ખાતાની વિગતો ચકાસીને યોગ્ય રીતે દાખલ કરવી પડશે. તમામ માહિતીની ખાતરી કર્યા પછી જ ફોર્મ સબમિટ કરવું જોઈએ.
કેન્સલ ચેક અપલોડ કરવાની પણ સુવિધા
NTAએ ઉમેદવારોને વધુ સરળતા મળે તે માટે કેન્સલ ચેક અપલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. ઉમેદવાર કેન્સલ ચેક અપલોડ કરશે તો બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડની ચોકસાઈ સરળતાથી ચકાસી શકાશે.
એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે ઓથન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે બેંક વિગતો સબમિટ કરવામાં આવશે, તે જ અંતિમ માનવામાં આવશે. ત્યારબાદ તેમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના
ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ બેંક વિગતો અપડેટ કરવાની પ્રક્રિયાથી અજાણ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે લાખો ઉમેદવારો પોતાના રિફંડથી વંચિત રહી શકે છે. NTAએ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને સત્તાવાર વેબસાઇટ પર જઈ તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે. વિદ્યાર્થીઓએ કોઈપણ અફવા કે બિનસત્તાવાર માહિતી પર વિશ્વાસ કર્યા વગર માત્ર NTAની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાઓને જ અનુસરવી જોઈએ.
આ પણ વાંચો: '100 દિવસની ભરતી નહીં ચાલે' : કાયમી નોકરીની માંગ સાથે શિક્ષક ઉમેદવારોનું સરકારને અલ્ટીમેટમ
સમયમર્યાદા પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી
NEET UG 2026ના ઉમેદવારો માટે હવે સમય ખૂબ જ મર્યાદિત છે. 7 જુલાઈ બાદ બેંક વિગતો અપડેટ કરવાની તક મળશે નહીં અને ત્યારબાદ ફી રિફંડનો લાભ પણ મળવાનો નહીં હોય. તેથી જેમણે હજુ સુધી વિગતો સબમિટ કરી નથી તેમણે તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની પરીક્ષા ફી પરત મેળવવાની તક ગુમાવવી નહીં.





