Home Business Epfo Form 121 Replaces Form 15g 15h Pf Withdrawal Rules

EPFO latest update: PF ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર : ફોર્મ 15G / 15H ને બદલે હવે ભરવું પડશે ફોર્મ 121; જાણો શું-શું બદલાશે?

PF withdrawal rules India
Published by: Viral Patel
Last Updated: Apr 29, 2026, 12:30 PM IST

PF withdrawal rules India: જો તમે સેલેરીડ ક્લાસ (પગારદાર વર્ગ) છો અને દર મહિને તમારા પગારમાંથી PF કપાય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પ્રોવિડન્ટ ફંડ (PF) ના નિયમોને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. PF ઉપાડ સંબંધિત ફોર્મ-15G અને ફોર્મ-15H ને હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ હવે નવું સિંગલ 'ફોર્મ-121' લાવવામાં આવ્યું છે. આ ફેરફાર 1 એપ્રિલ 2026 થી નવા નાણાકીય વર્ષ 2026-27 માટે લાગુ કરી દેવામાં આવ્યો છે.

જૂના ફોર્મમાં કેમ ફેરફાર કરવામાં આવ્યો?

અગાઉ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે ફોર્મ-15G અને વરિષ્ઠ નાગરિકોએ ફોર્મ-15H ભરવું પડતું હતું. આ ફોર્મ એટલા માટે ભરવામાં આવતા હતા જેથી PF ઉપાડ પર TDS (Tax Deducted at Source) ન કપાય. જોકે, બંને ફોર્મમાં ઉંમરના આધારે ઘણીવાર મૂંઝવણ રહેતી હતી. હવે નવા ફોર્મ-121 ને કોઈપણ ઉંમરની વ્યક્તિ ભરી શકશે, એટલે કે હવે તમામ વયજૂથ માટે એક જ ફોર્મ હશે. આનાથી પ્રક્રિયા સરળ બનશે અને ભૂલો થવાની શક્યતા ઘટશે.

આ પણ વાંચો: "ઉમેદવાર નક્કી કરતી વખતે તેમની સલાહ લેવામાં આવી નહોતી" : 'ગઢ' હાર્યા પછી દેખાયો ભાજપનો આંતરીક અસંતોષ!

ફોર્મ 121 શું છે?

ફોર્મ 121 (Form 121) એક સેલ્ફ-ડિકલેરેશન ફોર્મ છે, જેના હેઠળ તમે એ જાહેર કરો છો કે તમારી કુલ આવક ટેક્સ મર્યાદા કરતા ઓછી છે અને આ વર્ષે તમારો કોઈ ટેક્સ ભરવાપાત્ર થતો નથી. આ ફોર્મ માત્ર PF ઉપાડ પર જ નહીં, પરંતુ વ્યાજની આવક, ડિવિડન્ડ વગેરે પર પણ TDS બચાવવા માટે વાપરી શકાય છે.

કોણ ભરી શકે છે ફોર્મ 121?

રેઝિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ (ભારતીય નિવાસી)

હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)

કેટલાક ટ્રસ્ટ અને અન્ય પાત્ર યુનિટ્સ

શરત: તમારી કુલ આવક ટેક્સ-ફ્રી મર્યાદાની અંદર હોવી જોઈએ અને ટેક્સની જવાબદારી શૂન્ય હોવી જોઈએ.

આ પણ વાંચો: બાલાસિનોર કોર્ટ પરિસરમાં થઈ મારામારી : વકીલ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવાયા

PF ઉપાડ પર શું બદલાયું?

જો તમારી નોકરી 5 વર્ષથી ઓછી હોય અને PF ઉપાડ ₹50,000 થી વધુ હોય, તો TDS લાગી શકે છે.

TDS થી બચવા માટે દરેક નાણાકીય વર્ષમાં ફોર્મ-121 ભરવું અનિવાર્ય છે.

ફોર્મ જમા કરાવવા પર એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર મળશે.

છેલ્લા બે વર્ષના ITR (Income Tax Return) ની વિગતો પણ આપવી પડશે.

કર્મચારીઓને શું ફાયદો થશે?

ઉંમરના આધારે ફોર્મ પસંદ કરવાની માથાકૂટ ખતમ થશે.

પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બનશે અને તેને ટ્રેક કરી શકાશે.

ખોટું ફોર્મ ભરવાથી થતી TDS ની સમસ્યાઓ ઘટશે.

નોંધ: જો ફોર્મ નહીં ભરો તો TDS આપમેળે કપાઈ જશે, જેનું બાદમાં રિફંડ ક્લેમ કરવું પડશે.

આ પણ વાંચો: કેનેડાના સપના બતાવી આજોડના યુવક સાથે 8.50 લાખની ઠગાઈ : પિતા-પુત્રએ નકલી વેબસાઈટ અને ઈ-મેઈલના જોરે 3 વર્ષ સુધી ફેરવ્યો!

EPFO નું નિવેદન

EPFO એ પોતાના ઓફિશિયલ 'X' (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર સ્પષ્ટ કર્યું છે કે, "ફોર્મ 15G / 15H હવે PF પર TDS મુક્તિ માટે માન્ય નથી. ટેક્સ વર્ષ 2026-27 થી TDS મુક્તિ માટે ફોર્મ-121 ભરવું પડશે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now