Home Gujarat Vadodara Vadodara Canada Work Permit Fraud Youth Cheated

કેનેડાના સપના બતાવી આજોડના યુવક સાથે 8.50 લાખની ઠગાઈ : પિતા-પુત્રએ નકલી વેબસાઈટ અને ઈ-મેઈલના જોરે 3 વર્ષ સુધી ફેરવ્યો!

Vadodara News
Published by: Viral Patel
Last Updated: Apr 29, 2026, 12:05 PM IST

Vadodara News: વિદેશ જવાની ઘેલછામાં અનેક યુવાનો ઠગ એજન્ટોનો ભોગ બનતા હોય છે, ત્યારે વડોદરા જિલ્લાના આજોડ ગામના એક યુવક સાથે કેનેડાની વર્ક પરમિટ અપાવવાના બહાને પિતા-પુત્રની જોડીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ માત્ર પૈસા જ નહીં, પરંતુ બનાવટી દસ્તાવેજો અને નકલી વેબસાઈટ બનાવી યુવકના ત્રણ વર્ષ પણ બરબાદ કર્યા છે.

મિત્ર મારફતે સંપર્ક અને વિશ્વાસની જાળ

આજોડ ગામે રહેતા યશ ધવલભાઈ મહેતા વર્ષ 2023માં કેનેડા જવાની ઈચ્છા ધરાવતા હતા. આ દરમિયાન તેમના એક મિત્ર મારફતે તેમનો સંપર્ક કશ્યપ જિજ્ઞાસુ પટવા સાથે થયો હતો. કશ્યપે તેના પિતા જિજ્ઞાસુ પિયુષ પટવાની 'તિરુપતિ કન્સલ્ટન્સી' મારફતે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં બંનેએ યુવકને વિશ્વાસમાં લઈ તેના ઓળખના પુરાવાઓ મેળવ્યા હતા અને 6 જૂન 2023ના રોજ એડવાન્સ પેટે રૂ. 1.50 લાખનો ચેક મેળવ્યો હતો.

આ પણ વાંચો: વડોદરા ડિવિઝનની ટ્રેનો થઈ પ્રભાવિત : અનેક ટ્રેનો રદ અને કેટલીક ટ્રેનો દોડશે મોડી, જાણો શું છે કારણ

નકલી વેબસાઈટ અને ઈમેઈલથી છેતરપિંડી

સમયાંતરે આરોપીઓએ વિઝા પ્રોસેસના નામે ચેક અને RTGS મારફતે કુલ રૂ. 8.50 લાખ પડાવી લીધા હતા. એટલું જ નહીં, IELTS ના કોચિંગના નામે પણ રૂ. 50 હજાર અલગથી લીધા હતા. યુવક જ્યારે વિઝા વિશે પૂછપરછ કરતો ત્યારે આરોપીઓ તેને નકલી LMIA (Labour Market Impact Assessment) પત્રો, બનાવટી ઈમેઈલ અને ખોટી વેબસાઈટ બતાવીને વિઝાની પ્રક્રિયા ચાલુ હોવાનો ડોળ કરતા હતા. આ રીતે ત્રણ વર્ષ સુધી યુવકને અંધારામાં રાખવામાં આવ્યો હતો.

રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી

લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતા યશ મહેતાને શંકા ગઈ હતી. તેણે પોતાની રીતે તપાસ કરતા માલુમ પડ્યું કે તેના નામે કોઈ વિઝા પ્રક્રિયા થઈ જ નથી. જ્યારે તેણે પોતાના રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપી પિતા-પુત્ર પોતાની અસલિયત પર ઉતરી આવ્યા હતા. ઓફિસે બોલાવીને આરોપી જિજ્ઞાસુ પટવાએ ધમકી આપી હતી કે, "મારી ઉપર સુધી પહોંચ છે, પોલીસ કે કોર્ટ મારું કંઈ બગાડી શકશે નહીં." વધુમાં, તેણે યશને કોઈ પણ દેશમાં જવા ન દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

આ પણ વાંચો: CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ અને કીર્તિદાન ગઢવીને HC ની નોટિસ : જાણો શું છે મામલો?

પોલીસ કાર્યવાહી

આખરે છેતરપિંડીનો ભોગ બનેલા યશ મહેતાએ હિંમત દાખવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી આપવા બદલ ગુનો નોંધી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવથી વિદેશ જવા ઈચ્છતા યુવાનોમાં સાવચેતી રાખવા અંગે ચર્ચાઓ જાગી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now