Home Gujarat Gujarat High Court Notice Cid Cyber Cell Case

CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ અને કીર્તિદાન ગઢવીને મળી HC ની નોટિસ : જાણો શું છે મામલો?

કીર્તીદાન ગઢવી અને ગુજરાત હાઇ કોર્ટના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Apr 29, 2026, 12:17 PM IST

ગુજરાત હાઈકોર્ટમાં રજૂ થયેલી એક મહત્વપૂર્ણ અરજીને આધારે જાણીતા ગુજરાતી લોકગાયક કિર્તિદાન ગઢવી સહિત પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપોને લઈને નોટીસ ફટકારવામાં આવી છે. અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા અરજદાર જયેશ પરમાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં ગેરકાયદેસર કસ્ટડી અને મારઝૂડના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈ હાઈકોર્ટએ પ્રાથમિક સ્તરે હસ્તક્ષેપ કર્યો છે.

આ કેસમાં CID ક્રાઈમ સાયબર સેલ સાથે સંકળાયેલા PI બી.એમ. ચૌધરી, PSI પરમાર અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાજદીપસિંહ ઝાલા સહિતના અધિકારીઓને પણ જવાબદાર પક્ષ તરીકે નોટીસ પાઠવવામાં આવી છે. કેસમાં પોલીસ કાર્યવાહી અને ખાનગી વિવાદ વચ્ચેના સંબંધ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ગેરકાયદેસર ડીટેન્શનનો આરોપ

અરજદાર જયેશ પરમારના જણાવ્યા મુજબ, 20 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને રાત્રિના લગભગ 2 વાગ્યા સુધી તેમને ગાંધીનગર સ્થિત સાયબર સેલ કચેરીમાં ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવ્યા હતા. અરજદારનો દાવો છે કે તેમની સામે કોઈ સમન્સ, વોરંટ કે સત્તાવાર નોટીસ વગર સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસકર્મીઓએ તેમને કસ્ટડીમાં રાખ્યા હતા.

અરજીમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન અરજદારને બહાર જવાની કે કાનૂની મદદ મેળવવાની મંજૂરી આપવામાં આવી નહોતી, જે મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે. આ આક્ષેપો હાઈકોર્ટ માટે ગંભીરતા પૂર્વક તપાસના વિષય બની રહ્યા છે.

મારઝૂડ અને દબાણ અંગેના આક્ષેપ

અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે કે કસ્ટડી દરમિયાન તેમને શારીરિક રીતે માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ દાવાને સમર્થન આપવા માટે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

અરજદારના દાવા મુજબ, આ સમગ્ર ઘટનામાં કિર્તિદાન ગઢવી અને તેમના ભાગીદારોની ભૂમિકા મુખ્ય છે અને કીર્તીદાન “માસ્ટર માઈન્ડ” તરીકે રજૂ કરવામાં આવ્યા છે. જોકે, આ આક્ષેપો હાલમાં એકતરફી છે અને જવાબદાર પક્ષોની સત્તાવાર પ્રતિક્રિયા હજી સામે આવી નથી.

આ પણ વાંચો: PM મોદી 11 તારીખે લેશે ગુજરાતની મુલાકાત : 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામનું કરશે લાકોર્પણ, જાણો સરદારધામની વિશેષતા

CCTV પુરાવા સાચવવાનો કોર્ટનો આદેશ

કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે કે 20 અને 21 ફેબ્રુઆરીના દિવસોના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજને સુરક્ષિત રાખવામાં આવે. આ ફૂટેજ તપાસ માટે મહત્વપૂર્ણ પુરાવા તરીકે કામ કરી શકે છે.

આ પગલાથી કોર્ટ તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માંગે છે અને હકીકત બહાર આવે તે માટે ટેક્નિકલ પુરાવાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

નવરાત્રિ ઇવેન્ટ વિવાદનો મુદ્દો

અરજદારે પોતાની અરજીમાં વધુમાં જણાવ્યું છે કે તેમના અને કિર્તિદાન ગઢવી વચ્ચે નવરાત્રિ 2025ના ઇવેન્ટના આયોજનને લઈને વ્યાપારિક વિવાદ ઊભો થયો હતો. બંને વચ્ચે પાર્ટનરશિપ ડીડ કરવામાં આવી હતી, પરંતુ પૈસા અને એકાઉન્ટિંગ મુદ્દે મતભેદ વધ્યા હતા.

અરજદારનું કહેવું છે કે આ વિવાદનું નિરાકરણ કાયદાકીય અથવા લવાદ દ્વારા લાવી શકાય તેમ હતું, પરંતુ તેના બદલે પોલીસનો ઉપયોગ કરીને દબાણ બનાવવામાં આવ્યું. સાથે જ એવો પણ આક્ષેપ છે કે નવરાત્રિ ઇવેન્ટ દરમિયાન પોલીસ અધિકારીઓને આપવા માટે હજારો ટિકિટો લેવામાં આવી હતી, જેના કારણે પ્રભાવનો દુરુપયોગ થયો હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now