Home Gujarat Vadodara Pm Modi Vadodara Sardardham Hostel Inauguration

PM મોદી 11 તારીખે લેશે ગુજરાતની મુલાકાત : 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામનું કરશે લાકોર્પણ, જાણો સરદારધામની વિશેષતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 29, 2026, 11:15 AM IST

સંસ્કારી નગરી વડોદરાની આગામી 11 મેના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે મુલાકાત. ચૂંટણીનાં પરિણામો બાદ ગુજરાતમાં તેમની આ પ્રથમ મુલાકાત છે. તેમની આ મુલાકાતને લઇને શહેર તેમજ સમગ્ર મધ્ય ગુજરાતમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે વાઘોડિયા રોડ પર નેશનલ હાઈવે-8 પાસે આવેલ નોલેજ સિટી નજીક નિર્માણ પામેલા ‘સરદારધામ’ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે.

₹150 કરોડના ખર્ચે આધુનિક સંકુલ

મધ્ય ગુજરાતના પાટીદાર સમાજે આશરે ₹150 કરોડના ખર્ચે આ ભવ્ય છાત્રાલયનું નિર્માણ કરાવ્યું છે. આ સંકુલમાં કુલ 2000 વિદ્યાર્થીઓ માટે રહેવા અને અભ્યાસ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાસભર વાતાવરણ મળે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

આ સંકુલની સુવિધા

આ સંકુલમાં

હોસ્ટેલ રૂમ

અભ્યાસ માટે લાઈબ્રેરી

ડિજિટલ લર્નિંગ સુવિધાઓ

ડાઈનિંગ હોલ

રમતગમત માટેની વ્યવસ્થા

સુરક્ષા વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ સાથે સાથે સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે માટે આ સંકુલ રચાયું છે.

આ પણ વાંચો: PMએ સિક્કિમમાં 4000 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ : સંબોધનમાં કહ્યું, સિક્કિમ પૂર્વનું સ્વર્ગ

વિવિધ ભવનોનું ઉદ્ઘાટન

આ કાર્યક્રમ અંતર્ગત ‘ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ’નું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સંકુલમાં અલગ-અલગ છાત્રાલય ભવનોનો સમાવેશ થાય છે, જેમાં કન્યા અને કુમાર બંને માટે વિશેષ વ્યવસ્થા છે. આ ભવનોમાં ઉદા ભગત પાટીદાર સમાજ કન્યા છાત્રાલય-1, ઘનશ્યામભાઈ બી. પટેલ કન્યા છાત્રાલય-2, લાભુબેન લીંબાભાઈ કુમાર છાત્રાલય-1 અને પારૂલ ઘનશ્યામલાલ કુમાર છાત્રાલય-2નો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સલામત અને સુવિધાસભર નિવાસ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ચૂંટણી બાદ પ્રધાનમંત્રીની ગુજરાતમાં આ પ્રથમ મુલાકાત હોવાથી રાજકીય રીતે પણ આ કાર્યક્રમ મહત્વનો બની રહ્યો છે. મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાટીદાર સમાજના હજારો લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ કાર્યક્રમને લઈને સામાજિક એકતા અને ગૌરવની ભાવના સ્પષ્ટ જોવા મળી રહી છે.

તડામાર તૈયારીઓ

વાઘોડિયા રોડ અને આસપાસના વિસ્તારોમાં હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમ સ્થળે સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નેશનલ હાઈવે-8 પર ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન, અને જનસુવિધાઓ માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સુચારૂ રીતે પાર પડે તે માટે દરેક સ્તરે તૈયારી ચાલી રહી છે.

આ 'સરદારધામ' છાત્રાલય આગામી સમયમાં મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર નિવાસ અને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થવાથી તેમના ભવિષ્યને નવી દિશા મળશે. આ પ્રોજેક્ટ શિક્ષણ ક્ષેત્રે ખાનગી અને સામાજિક સહકારનું ઉત્તમ ઉદાહરણ છે, જે અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now