Home National Pm Modi Sikkim Visit 4000 Crore Projects 2026

PMએ સિક્કિમમાં 4000 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ : સંબોધનમાં કહ્યું, સિક્કિમ પૂર્વનું સ્વર્ગ

સંબોઘન કરતા PMની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 28, 2026, 06:00 AM IST

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 અને 28 એપ્રિલ દરમિયાન સિક્કિમના બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસ પર રહ્યાં હતાં. જ્યાં તેમણે રાજ્યના વિકાસ માટે ₹4000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રવાસ સિક્કિમના 50માં રાજ્ય સ્થાપના દિવસના સમાપન સમારોહ સાથે જોડાયેલો હોવાથી રાજકીય અને ઐતિહાસિક બંને રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગાંગટોકમાં યોજાયેલા કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોને આવરી લેતા વિકાસકાર્યોની શરૂઆત કરી. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, શિક્ષણ, વીજળી, પર્યાવરણ, ટૂરિઝમ અને કૃષિ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય સિક્કિમમાં સર્વગ્રાહી વિકાસને તેજ આપવાનો હોવાનું જણાવાયું છે.

વિકાસ યોજનામાં શું ખાસ?

પ્રધાનમંત્રીએ સિક્કિમમાં આરોગ્ય ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નામચી જિલ્લાના યાંગાંગ ખાતે 100 બેડના આયુર્વેદ હોસ્પિટલની પાયાવિધી કરી, જ્યારે NIT દેવરાલી ખાતે 30 બેડના સોવા રિગ્પા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં પરંપરાગત અને આધુનિક આરોગ્ય સેવાઓ વચ્ચે સંતુલન લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શિક્ષણ ક્ષેત્રમાં પણ મોટા પગલાં લેવામાં આવ્યા. સિક્કિમ યુનિવર્સિટીના નવા કેમ્પસ, નેટાજી સુભાષ ચંદ્ર બોઝ યુનિવર્સિટી ઓફ એક્સેલન્સના એડમિન બ્લોક અને હેલેન લેફ્ચા મેડિકલ કોલેજ જેવી સંસ્થાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ સુવિધાઓને નવો વેગ મળશે. કનેક્ટિવિટી સુધારવા માટે તીસ્તા નદી પર બે ડબલ-લેન સ્ટીલ આર્ચ બ્રિજોના શિલાન્યાસ કરવામાં આવ્યા છે, જે વિવિધ જિલ્લાઓ વચ્ચેના સંપર્કને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો: સિક્કિમમાં પ્રધાનમંત્રીનો અનોખો અંદાજ : નાનકડા દોસ્તો સાથે ફૂટબોલ રમ્યા PM મોદી, જુઓ શાનદાર તસવીરો

ટૂરિઝમ અને પર્યાવરણ પર ભાર

પ્રધાનમંત્રીએ સિક્કિમના પ્રાકૃતિક અને પર્યાવરણિક મહત્વને ધ્યાનમાં રાખીને અનેક પર્યાવરણ-મિત્ર પ્રોજેક્ટ્સની શરૂઆત કરી. ઓર્કિડેરિયમ (Orchidarium) અને ઓર્કિડ એક્સપિરિયન્સ સેન્ટર જેવી પહેલો રાજ્યના ફ્લોરલ હેરિટેજને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, ઈકો-ટૂરિઝમ અને તીર્થયાત્રા સંબંધિત સુવિધાઓના વિકાસ માટે પણ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે, જે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને મજબૂત બનાવશે અને સ્થાનિક રોજગારીમાં વધારો કરશે.

રાજકીય અને વ્યૂહાત્મક મહત્વ

સિક્કિમ ભારતનું એક મહત્વપૂર્ણ ઉત્તર-પૂર્વ રાજ્ય છે, જે ચીન અને નેપાળની સીમા નજીક આવેલું છે. આવા પ્રદેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને પ્રાથમિકતા આપવી કેન્દ્ર સરકાર માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાય છે. આ પ્રવાસ દ્વારા કેન્દ્ર સરકારનો ઉત્તર-પૂર્વ પ્રદેશ પ્રત્યેનો ફોકસ વધુ સ્પષ્ટ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં માર્ગ, રેલ અને હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે મોટા રોકાણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દેશમાં હીટવેવનો હાહાકાર : ચેતી જજો, કામ વગર દેશના આ 10 શહેરોમાં બહાર નીકળવાનું ટાળજો!

આ પ્રોજેક્ટ્સના અમલીકરણ બાદ સિક્કિમમાં આરોગ્ય, શિક્ષણ, પરિવહન અને ટૂરિઝમ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને ઈકો-ટૂરિઝમ અને ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા ક્ષેત્રોમાં નવા અવસરો ઊભા થશે. કેન્દ્ર સરકાર આગામી સમયમાં પણ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આવી જ રીતે વિકાસલક્ષી યોજનાઓને આગળ ધપાવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now