PM Modi Sikkim Visit 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં સિક્કિમના બે દિવસીય ઐતિહાસિક પ્રવાસે છે. આજે મંગળવારે સિક્કિમના 50માં સ્થાપના દિવસના ભવ્ય સમાપન સમારોહમાં PM મોદી વિશેષ અતિથિ તરીકે હાજરી આપવાના છે. જોકે, આ સત્તાવાર કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ PM મોદીએ સિક્કિમની આહલાદક સવારમાં કંઈક એવું કર્યું કે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગંગટોકની સુંદર વાદીઓ વચ્ચે પ્રધાનમંત્રી મેદાનમાં ઉતરીને સ્થાનિક યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ સિક્કિમના નાનકડા બાળકો અને યુવાનો સાથે ફૂટબોલ રમતી તસવીરો શેર કરતા લખ્યું કે, "ગંગટોકની એક સુંદર સવાર, સિક્કિમમાં મારા નાનકડા દોસ્તો સાથે ફૂટબોલ રમવાની મજા જ કંઈક અલગ છે!" PMનો આ અંદાજ જોઈને માત્ર સિક્કિમ જ નહીં, પરંતુ પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળના રાજકારણમાં પણ ચર્ચાઓ તેજ થઈ છે. રાજકીય પંડિતો આને બંગાળ ચૂંટણીના અંતિમ તબક્કા પહેલાંનો એક માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે.
ગંગટોકમાં ફૂટબોલ અને બંગાળનું કનેક્શન
પશ્ચિમ બંગાળમાં ફૂટબોલ એ માત્ર રમત નથી, પરંતુ બંગાળી સંસ્કૃતિ અને લાગણીઓનું પ્રતિક છે. કોલકાતાને ભારતીય ફૂટબોલનું 'મક્કા' ગણવામાં આવે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર બાદ PM મોદીનું આ રીતે ફૂટબોલ રમવું એ બંગાળના ફૂટબોલ પ્રેમી મતદારોને એક સીધો સાંસ્કૃતિક સંકેત માનવામાં આવે છે. સિક્કિમના મેદાનમાંથી PM મોદીએ જે 'ગોલ' કર્યો છે તેની ગુંજ બંગાળના રાજકારણમાં ચોક્કસ જોવા મળશે.
ગંગટોકમાં ભવ્ય રોડ શો અને ઉષ્માભર્યું સ્વાગત
PM મોદી સોમવારે સાંજે જ્યારે ગંગટોક પહોંચ્યા ત્યારે આખું શહેર જાણે તેમના સ્વાગત માટે રસ્તા પર ઉતરી આવ્યું હતું. હેલીપેડથી લઈને લોકભવન સુધીના રસ્તાઓ પર હજારોની મેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીએ પણ લોકોનો ઉત્સાહ જોઈને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. સ્થાનિક લોકોમાં PMને જોવા માટે ભારે આતુરતા જોવા મળી હતી, જે સિક્કિમ અને કેન્દ્ર વચ્ચેના મજબૂત સંબંધોની સાક્ષી પૂરે છે.
સિક્કિમ માટે ₹4,000 કરોડની ભેટ
આજનો દિવસ સિક્કિમના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. PM મોદી પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમના 50મા સ્થાપના દિવસના સમાપન સમારોહમાં હાજરી આપશે. આ તકે તેઓ રાજ્યને રૂ. 4,000 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓની ભેટ આપશે. આ સિવાય તેઓ 'સ્વર્ણ જયંતિ મૈત્રી મંજરી પાર્ક'નું પણ નિરીક્ષણ કરશે, જે રાજ્યના કુદરતી વારસા અને પુષ્પ સંપદાને જાળવી રાખવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
ગયા વર્ષની અધૂરી મુલાકાત આજે થશે પૂર્ણ
નોંધનીય છે કે સિક્કિમના 50 વર્ષની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં પણ PM મોદી હાજર રહેવાના હતા, પરંતુ ગત વર્ષે ખરાબ હવામાનના કારણે તેઓ ગંગટોક પહોંચી શક્યા નહોતા. ત્યારે તેમણે સિલિગુડીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. જોકે, આ વર્ષે હવામાન સાફ છે અને PM પોતે રૂબરૂ હાજર રહીને સિક્કિમના આ ઐતિહાસિક પર્વની ઉજવણીને યાદગાર બનાવી રહ્યા છે.





