Home Gujarat Ahmedabad Khadia Ward Ahmedabad Election Result Bjp Congress

"ટિકિટ વહેચણી અંગે મને પૂછ્યું હોય તો..." - ભૂષણ ભટ્ટ : 'ગઢ' હાર્યા પછી દેખાયો ભાજપનો આંતરીક અસંતોષ!

ભૂષણ ભટ્ટ
Image Credit: bhushan bhatt facebook
Published by: Chintan Chavda
Last Updated: Apr 29, 2026, 12:46 PM IST

અમદાવાદના રાજકારણમાં આ વખતની ચૂંટણીના પરિણામોએ મહત્વપૂર્ણ રાજકીય સંદેશ આપ્યો છે. શહેરની કુલ બેઠકોમાં પ્રભુત્વ જાળવી રાખવા છતાં ભાજપ માટે એક પ્રતિકાત્મક ઝટકો સામે આવ્યો છે. શહેરના ઐતિહાસિક અને રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા ખાડિયા વોર્ડમાં કોંગ્રેસે જીત મેળવી છે, જે લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો.

ખાડિયા વોર્ડમાં કોંગ્રેસ પેનલના વિજય સાથે ભાજપના દાયકાઓ જૂના પ્રભુત્વને આંચકો લાગ્યો છે. 1972થી સતત ભાજપના કબજામાં રહેલો આ વિસ્તાર હવે રાજકીય રીતે નવી દિશા તરફ વળતો દેખાઈ રહ્યો છે. શહેરમાં 48 વોર્ડની કુલ 192 બેઠકોમાંથી અંદાજે 162 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપે 150થી વધુ બેઠકો જીતતાં પ્રભુત્વ જાળવ્યું છે, છતાં ખાડિયા જેવી બેઠક ગુમાવવી પ્રતિકાત્મક રીતે મોટું નુકસાન માનવામાં આવે છે.

ભાજપ માટે ‘કાળી ટીલી’ સમાન હાર

શહેરભરમાં મોટા બહુમત સાથે જીત છતાં ખાડિયા વોર્ડની હાર ભાજપ માટે ‘કાળી ટીલી’ સમાન બની છે. રાજકીય નિરીક્ષકો માને છે કે આ હાર માત્ર એક બેઠક ગુમાવવાની બાબત નથી, પરંતુ મતદાતાઓના વલણમાં થતા પરિવર્તનનો સંકેત પણ છે.

ખાડિયા વિસ્તારમાં કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાના પ્રભાવ અને પ્રચારને કારણે મતદારોમાં બદલાવ આવ્યો હોવાની ચર્ચા છે. કેટલાક આક્ષેપો અનુસાર મતદારોને પ્રભાવિત કરવા માટે દબાણની વાતો પણ સામે આવી છે, જોકે આ મુદ્દે સત્તાવાર પુષ્ટિ થયેલી નથી.

આંતરિક અસંતોષ સામે આવ્યો

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટએ આ પરિણામો બાદ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ઉમેદવારની પસંદગી વખતે સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા, જેનાથી ચૂંટણી પરિણામ પર અસર પડી છે.

તેમણે મીડિયાને જણાવ્યું કે પાર્ટીના શિર્ષ નેતૃત્વ દ્વારા ઉમેદવાર નક્કી કરતી વખતે તેમની સલાહ લેવામાં આવી નહોતી. તેમણે એવો પણ દાવો કર્યો કે ચૂંટણી દરમિયાન તેમના અને તેમના પરિવાર સામે બદનામીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. “જો કોઈ પૈસા કે ગેરકાયદે બાંધકામ સાબિત કરે તો હું રાજકારણ છોડી દઈશ,” એમ કહી તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી.

આ પણ વાંચો: CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ અને કીર્તિદાન ગઢવીને મળી HC ની નોટિસ : જાણો શું છે મામલો?

ચૂંટણી રણનીતિ અને ડેમોગ્રાફી પર ચર્ચા

ભૂષણ ભટ્ટએ વધુમાં જણાવ્યું કે ખાડિયા વિસ્તારની ડેમોગ્રાફીમાં આવેલા ફેરફારોનો સીધો અસર મતદાન પર જોવા મળી છે. તેમની દૃષ્ટિએ કોંગ્રેસે પાંચ ઉમેદવારો સાથે વ્યૂહાત્મક રીતે ચૂંટણી લડી અને લઘુમતી મતદારોનું ધ્રુવીકરણ કરવામાં સફળ રહી.

તેમણે જણાવ્યું કે 20 એપ્રિલે જ તેમણે પાર્ટીને આ બાબત અંગે ચેતવણી આપી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. આથી, ઉમેદવાર પસંદગી અને સ્થાનિક પરિસ્થિતિઓને અવગણવાના કારણે આ પરિણામ આવ્યું હોવાનું તેઓ માને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now