Home Tech/Gadgets Elon Musk Spacex Starlink Satellites Orbit Safety Update

અંતરિક્ષમાં ટક્કર રોકવા Elon Muskનો મોટો નિર્ણય : હવે પૃથ્વીની વધુ નજીક આવશે Starlink સેટેલાઈટ્સ, જાણો શું છે પ્લાન?

અંતરિક્ષમાં ટક્કર રોકવા Elon Muskનો મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 05:15 PM IST

અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર એલોન મસ્કની કંપની SpaceX હવે પોતાના Starlink નેટવર્કમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. અંતરિક્ષમાં વધતી જતી સેટેલાઈટ્સની ભીડ અને ટક્કરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કંપનીએ પૃથ્વીની નીચલી કક્ષામાં રહેલા ઉપગ્રહોની ઊંચાઈ ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયા વર્ષ 2026 દરમિયાન તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈપણ મોટી ખગોળીય હોનારતને ટાળી શકાય.

સેટેલાઈટ્સની ઊંચાઈ ઘટાડવા પાછળનું ટેકનિકલ કારણ

SpaceX ના Starlink એન્જિનિયરિંગ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ માઈકલ નિકોલ્સના જણાવ્યા અનુસાર, હાલમાં અનેક Starlink સેટેલાઈટ્સ અંદાજે 550 કિલોમીટરની ઊંચાઈ પર કાર્યરત છે. હવે તેને ધીરે-ધીરે નીચે લાવીને 480 કિલોમીટરની ભ્રમણકક્ષામાં શિફ્ટ કરવામાં આવશે. Low Earth Orbit માં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને સેટેલાઈટ્સ પરસ્પર ટકરાય નહીં તે હેતુથી આ મહત્વનો બદલાવ કરવામાં આવી રહ્યો છે.

તાજેતરની ઘટનાએ વધારી ચિંતા

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ડિસેમ્બર મહિનામાં Starlink ના એક ઉપગ્રહમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે સમયે સેટેલાઈટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને અંતરિક્ષમાં કાટમાળ પેદા થયો હતો. આ સેટેલાઈટ અંદાજે 418 કિલોમીટરની ઊંચાઈ પર હતો અને અચાનક તેની ઊંચાઈ ઘટી ગઈ હતી, જે સૂચવે છે કે ઉપગ્રહની અંદર કોઈ વિસ્ફોટ અથવા ખામી સર્જાઈ હોઈ શકે છે.

શા માટે ઓછી ઊંચાઈ વધુ સુરક્ષિત માનવામાં આવે છે?

નિષ્ણાતોનું માનવું છે કે 500 કિલોમીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ભ્રમણકક્ષામાં સેટેલાઈટ્સ અને કાટમાળની સંખ્યા ઘણી ઓછી છે. આ ઊંચાઈએ ટક્કર થવાની શક્યતા નહિવત થઈ જાય છે. વધુમાં જો કોઈ સેટેલાઈટ ખરાબ થઈ જાય તો ઓછી ઊંચાઈના કારણે તે ખૂબ ઝડપથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને બળી જાય છે, જેનાથી અંતરિક્ષમાં લાંબા સમય સુધી જોખમી કાટમાળ જમા થવાનો ખતરો રહેતો નથી.

SpaceXની વધતી જવાબદારી

પૃથ્વીની કક્ષામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સેટેલાઈટ્સની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન માટે અનેક ખાનગી કંપનીઓ હજારો ઉપગ્રહો લોન્ચ કરી રહી છે, જેમાં SpaceX સૌથી મોટું નામ છે. હાલમાં Starlink ના અંદાજે 10,000 જેટલા સક્રિય સેટેલાઈટ્સ કાર્યરત છે. મસ્કનો આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે SpaceX માત્ર ટેકનોલોજી જ નહીં પરંતુ અંતરિક્ષની સુરક્ષા અને જવાબદારીને લઈને પણ ગંભીર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now