Home Tech/Gadgets Elon Musk Demands 11 Lakh Crore From Openai Microsoft

Elon Musk એ OpenAI-માઈક્રોસોફ્ટ પાસે ₹11 લાખ કરોડની માંગણી કરી! : નફાખોરી અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે મસ્ક હવે કોર્ટના મેદાનમાં

Elon Musk એ OpenAI-માઈક્રોસોફ્ટ પાસે ₹11 લાખ કરોડની માંગણી કરી!
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 12:21 PM IST

Big controversy in the tech world: ટેસ્લા અને SpaceX ના માલિક ઈલોન મસ્કે ફરી એકવાર આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. મસ્કે વિશ્વની સૌથી મોટી AI કંપની OpenAI અને દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટ વિરુદ્ધ કાયદેસરની જંગ છેડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્કે આ બંને કંપનીઓ પાસે વળતર તરીકે 79 અબજ ડૉલર (અંદાજે 6.5 લાખ કરોડ રૂપિયા) થી લઈને 134 અબજ ડૉલર (અંદાજે 11.65 લાખ કરોડ રૂપિયા) જેટલી તોતિંગ રકમની માંગણી કરી છે.

છેતરપિંડીના ગંભીર આક્ષેપો

મસ્કનો આરોપ છે કે, OpenAI ની સ્થાપના માનવતાના ભલા માટે એક 'નોન-પ્રોફિટ' (બિન-લાભકારી) સંસ્થા તરીકે કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં કંપનીએ તેના મૂળ ઉદ્દેશ્યોને બાજુ પર મૂકી દીધા છે. માઈક્રોસોફ્ટ સાથે હાથ મિલાવીને OpenAI હવે માત્ર નફા માટે કામ કરી રહી છે, જે મસ્ક મુજબ તેમની સાથે અને જનતા સાથે થયેલી મોટી છેતરપિંડી છે.

કોર્ટમાં અરજી દાખલ

મસ્કના વકીલોએ શુક્રવારે ફેડરલ કોર્ટમાં આ વળતર માટે સત્તાવાર અરજી દાખલ કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ પહેલા OpenAI અને માઈક્રોસોફ્ટે કોર્ટને વિનંતી કરી હતી કે, એપ્રિલમાં થનારી સુનાવણીને અટકાવી દેવામાં આવે, પરંતુ ન્યાયાધીશે તેમની આ અપીલને ફગાવી દીધી છે. હવે આ મામલો વધુ ગંભીર બન્યો છે.

રોકાણના બદલામાં હિસ્સો

મસ્કનું કહેવું છે કે, તેમણે 2015 માં જ્યારે OpenAI ની સ્થાપના થઈ ત્યારે તેમાં 38 મિલિયન ડૉલર (અંદાજે 315 કરોડ રૂપિયા)નું શરૂઆતી રોકાણ કર્યું હતું. આજે OpenAI ની વેલ્યુએશન (મૂલ્યાંકન) 500 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. મસ્કના વકીલોની દલીલ છે કે, જે રીતે સ્ટાર્ટઅપમાં શરૂઆતના રોકાણકારોને મોટો નફો મળે છે, તે જ રીતે મસ્ક પણ આ વધેલી વેલ્યુએશનમાં પોતાના હિસ્સાના હકદાર છે.

વકીલોની મજબૂત દલીલ

મસ્કના વકીલ સ્ટીવલ મોલોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, OpenAI અને માઈક્રોસોફ્ટે ગેરકાયદેસર રીતે જે પણ નાણાકીય લાભ મેળવ્યા છે, તે હવે મસ્કને પરત મળવા જોઈએ. તેમના મતે કંપનીએ જે રીતે બિઝનેસ મોડલ બદલ્યું છે તે કાયદાકીય રીતે ખોટું છે.

OpenAI નો જવાબ

બીજી તરફ, OpenAI એ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, તેઓ કોર્ટમાં આ બાબત સાબિત કરવા તૈયાર છે કે, મસ્કના દાવા ખોટા છે. સાથે જ કંપનીએ પોતાના રોકાણકારોને સાવચેત રહેવા કહ્યું છે, કારણ કે, મસ્ક આગામી સમયમાં હજુ પણ વધુ ચોંકાવનારા દાવા કરી શકે છે.

જૂની દુશ્મની અને નવો વળાંક

ઉલ્લેખનીય છે કે, ઈલોન મસ્ક 2018 સુધી OpenAI ના બોર્ડમાં હતા, પરંતુ મતભેદોને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. 2022 માં ChatGPT ના આવ્યા પછી મસ્ક સતત આ કંપનીની ટીકા કરી રહ્યા છે. હાલમાં જ મસ્કે પોતાનું અલગ AI પ્લેટફોર્મ 'xAI' પણ શરૂ કર્યું છે, જેનું ચેટબોટ 'Grok' અત્યારે ચર્ચામાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now