અમદાવાદની CBSE દિવ્ય પથ સ્કૂલ ખાતે ગૌરવભેર તેમજ આનંદ ઉત્સાહ સાથે ‘એજ્યુફેસ્ટ જુનિયર 4.0’નું આયોજન કરવામાં આવ્યુ હતું. ‘એજ્યુફેસ્ટ જુનિયર 4.0’ પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિની ઉજવણી કરતો એક જીવંત આંતર-શાળા કાર્યક્રમ હતો. અગ્રણી શાળાઓના યુવા પ્રતિભાગીઓએ ફેન્સી ડ્રેસ, ગ્રુપ ડાન્સ, કમ્પલિટ ધ ડ્રોઈંગ, એક્શન સોંગ અને હિન્દી સ્ટોરી ટેલિંગ સહિતની સાત સ્પર્ધાઓમાં તેમની દિવ્ય પ્રતિભાઓનું હર્ષ ઉલ્લાસ સાથે પ્રદર્શન કર્યું હતું.
પોતાના કલ્પનાશીલ પ્રદર્શનો, રંગબેરંગી પોશાકો અને સચોટ વાર્તાકથનથી પ્રતિભાગીઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પાંડા પ્રીસ્કૂલ, દિવ્યપથ, રંગોળી, જીનિયસ જનરેશન, SGVP, LML, DAV અને સોમલલિત જેવી શાળાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં ટોચના સન્માન મેળવ્યા હતા.
એકેડેમિક ડિરેક્ટર ઋષિકા સોનગરા અને આચાર્ય દુર્ગાલક્ષ્મીએ તમામ પ્રતિભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા અને શિક્ષકો તથા વાલીઓએ આપેલા સતત પ્રોત્સાહન અને સહકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે એજ્યુફેસ્ટ જુનિયર માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ પ્રારંભિક શિક્ષણ અને આનંદદાયક ભાગીદારીની ઉજવણી છે.
એજ્યુફેસ્ટ જુનિયર 4.0નો પ્રથમ દિવસ ઉત્સાહપૂર્ણ માહોલમાં પૂરો થયો, અને યુવા કલાકારોની ઊર્જા અને ઉત્સાહથી સૌ કોઈને પ્રેરણા મળી.