Home Gujarat Earthquake In Gujarat Again 34 Magnitude Tremors Felt In Bhachau Kutch Tremors Felt In Dahod Too

ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી : પશ્ચિમથી પૂર્વ સુધી બે મોટા જિલ્લામાં ભૂકંપના આંચકાથી ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા

ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 09:39 AM IST

Gujarat Earthquake: ગુજરાત પર ભૂકંપનું જોખમ સતત વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે પશ્ચિમથી લઈને પૂર્વ સુધી રાજ્યના બે મહત્વના જિલ્લાઓમાં ધરા ધ્રૂજતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. એક તરફ કચ્છના ભચાઉમાં બપોરે જોરદાર ધ્રુજારી અનુભવાઈ હતી, તો બીજી તરફ દાહોદમાં પણ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ધરતીના પેટાળમાં થયેલી આ હલચલે સિસ્મોલોજી વિભાગની ચિંતામાં પણ વધારો કર્યો છે.

સામાન્ય રીતે શાંત ગણાતા પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં પણ હવે ભૂકંપના આંચકાઓનું પ્રમાણ દેખાવા લાગ્યું છે. કચ્છમાં તો અવારનવાર આંચકા આવે છે, પરંતુ દાહોદ જેવા જિલ્લામાં ભૂકંપની એન્ટ્રીએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. સદનસીબે, બંને સ્થળે તીવ્રતા બહુ વધુ ન હોવાથી જાન-માલનું નુકસાન ટળ્યું છે, પરંતુ લોકો હજુ પણ ભયના ઓથાર હેઠળ છે.

કચ્છમાં બપોરે તેજ ધ્રુજારી: ભચાઉમાં 3.4 ની તીવ્રતા

કચ્છ જિલ્લો, જે અગાઉ ભયાનક ભૂકંપનો સામનો કરી ચૂક્યો છે, ત્યાં આજે ફરી એકવાર ધરા ધ્રૂજી હતી. બપોરે 1:43 વાગ્યે ભચાઉ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી માત્ર 12 કિમી દૂર હતું. આંચકો એટલો સ્પષ્ટ હતો કે, ઘરમાં રાખેલા વાસણો અને પંખા હલવા લાગ્યા હતા, જેના કારણે લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા.

દાહોદ પણ આવ્યું ભૂકંપના ટાર્ગેટ પર!

આજે માત્ર કચ્છ જ નહીં, પણ પૂર્વ ગુજરાતના દાહોદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 11:55 કલાકે દાહોદમાં 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જમીનથી 17.7 કિમીની ઊંડાઈએ થયેલી આ હલચલનું કેન્દ્રબિંદુ દાહોદથી 34 કિમી દૂર નોંધાયું છે. જોકે આ હળવો આંચકો હતો, પણ 'ભૂકંપ' શબ્દ સાંભળતા જ સરહદી પટ્ટીના લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.

ISR ની ચેતવણી: સાવધાન રહેવું જરૂરી

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા મુજબ, ગુજરાતમાં કેટલીક ફોલ્ટ લાઈનો સક્રિય થઈ છે. ભચાઉમાં આવેલો આંચકો સામાન્ય કરતાં થોડો વધુ તેજ હોવાથી લોકોએ તેને અનુભવ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આવા નાના આંચકાઓ જમીન અંદરના પ્રેશરને રિલીઝ કરતા હોય છે, પરંતુ સતત આવતા આંચકાઓ ભવિષ્યમાં કોઈ મોટી ઘટનાના સંકેત હોઈ શકે છે, તેથી તંત્ર દ્વારા સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now