Home National E20 Petrol Consumer Court Orders New Car Or Rs 20 50 Lakh Compensation

કાર કંપનીને બેદરકારી પડી ભારે : નવી કાર નહીં આપે તો રૂ. 20.50 લાખ ચૂકવવા પડશે

E20 પેટ્રોલ ભરાતું હોય તેવી છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jul 16, 2026, 11:30 AM IST

છત્તીસગઢ, રાયપુર: દેશમાં E20 પેટ્રોલને લઈને પ્રથમ વખત એક મહત્વપૂર્ણ કાનૂની ચુકાદો આવ્યો છે, જે વાહન ખરીદનારા લાખો ગ્રાહકો માટે માર્ગદર્શક બની શકે છે. છત્તીસગઢના રાયપુર જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે એક જાણીતી કાર કંપની અને તેના સ્થાનિક ડીલર સામે ગ્રાહકને ગેરમાર્ગે દોરવા તેમજ ખામીયુક્ત સેવા આપવા બદલ કડક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કંપનીને 45 દિવસની અંદર ગ્રાહકને E20 પેટ્રોલને સંપૂર્ણ સપોર્ટ કરતી નવી કાર આપવાનો આદેશ આપ્યો છે. જો કંપની આ આદેશનું પાલન નહીં કરે તો તેને કારની કિંમત, આરટીઓ અને વીમા ખર્ચ સહિત કુલ રૂ. 20,50,494 ચૂકવવા પડશે. આ ઉપરાંત 7 ટકા વાર્ષિક વ્યાજ, માનસિક ત્રાસ બદલ રૂ. 1 લાખ અને કેસ ખર્ચ તરીકે રૂ. 10 હજાર પણ ચૂકવવાના રહેશે. આ ચુકાદાને E20 ઈંધણ અને વાહનોની સુસંગતતા સંબંધિત દેશના પ્રથમ મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ રાયપુરના ડૉ. પ્રેમરાજ દેવતા સાથે સંકળાયેલો છે. તેમણે જૂન 2024માં એક જાણીતી ઓટોમોબાઇલ કંપનીના શોરૂમમાંથી નવી કાર ખરીદી હતી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા જ સમયમાં કારમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ આવવા લાગી. ખાસ કરીને કારનું એન્જિન ચાલતી વખતે અચાનક બંધ થઈ જતું હોવાથી તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ સમસ્યાના ઉકેલ માટે તેઓ કંપનીના સર્વિસ સેન્ટર પહોંચ્યા, પરંતુ વોરંટી હેઠળ મફત મરામત કરવાની જગ્યાએ કંપનીએ અંદાજે રૂ. 5.5 લાખનો ખર્ચ દર્શાવી ગ્રાહકને જ જવાબદાર ઠેરવ્યો.

કંપનીએ E20 પેટ્રોલને જવાબદાર ગણાવ્યું

કાર કંપનીએ દલીલ કરી કે કારના એન્જિનમાં થયેલી ખામીનું કારણ પેટ્રોલમાં રહેલું વધુ પ્રમાણનું ઇથેનોલ છે. કંપનીએ દાવો કર્યો કે E20 પેટ્રોલના ઉપયોગને કારણે એન્જિન ખરાબ થયું હોવાથી આ ખામી વોરંટી હેઠળ આવતી નથી. પરંતુ ગ્રાહકે આ દલીલ સ્વીકારી નહીં અને ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી.

આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને લખ્યો પત્ર : પરિસીમન બિલ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ

તપાસમાં ખુલ્યાં બે મોટા ખુલાસા

સુનાવણી દરમિયાન ગ્રાહક આયોગ સમક્ષ બે મહત્વપૂર્ણ હકીકતો સામે આવી, જેના કારણે કંપનીની દલીલો નબળી પડી ગઈ. સૌપ્રથમ એ જાણવા મળ્યું કે ગ્રાહકને જૂન 2024માં વેચાયેલી કારનું ઉત્પાદન જાન્યુઆરી 2023માં થયું હતું. એટલે કે લગભગ 17 મહિના જૂની કારને નવી હોવાનું કહીને વેચવામાં આવી હતી. બીજી મહત્વની બાબત એ સામે આવી કે કારનું એન્જિન E20 પેટ્રોલ માટે સંપૂર્ણપણે સુસંગત નહોતું. જ્યારે દેશમાં હવે મોટા ભાગના પેટ્રોલ પંપ પર 20 ટકા ઈથેનોલ મિશ્રિત E20 પેટ્રોલ ઉપલબ્ધ છે. કોર્ટે નોંધ્યું કે કંપનીએ ગ્રાહકને આ મહત્વપૂર્ણ માહિતી અગાઉથી આપી નહોતી.

ગ્રાહકને દોષી ન ઠેરવી શકાય: કોર્ટ

ગ્રાહક આયોગે પોતાના ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું કે પેટ્રોલમાં કેટલું ઇથેનોલ મિશ્રિત હશે તેના પર ગ્રાહકનો કોઈ નિયંત્રણ નથી. તેથી એન્જિનમાં ખામી આવે તો તેનો સંપૂર્ણ દોષ ગ્રાહક પર નાખી શકાય નહીં. કોર્ટે માન્યું કે કંપનીએ કાર વેચતી વખતે જરૂરી માહિતી છુપાવી હતી અને ગ્રાહકને ગેરમાર્ગે દોર્યો હતો. આ પ્રકારનું વર્તન ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન ગણાય છે.

આ પણ વાંચો: 'ભવિષ્યના યુદ્ધમાં રસ્તા પણ બનશે હથિયાર' : BROને લઈને રાજનાથ સિંહનું મોટું નિવેદન

45 દિવસમાં નવી કાર અથવા રૂ. 20.50 લાખ ચૂકવો

ગ્રાહક ફોરમના અધ્યક્ષ પ્રશાંત કુન્ડૂ અને સભ્ય ડૉ. આનંદ વર્ગીસની બેન્ચે કંપની અને ડીલરને 45 દિવસની અંદર ગ્રાહકને એ જ મોડેલની E20 પેટ્રોલ સપોર્ટ કરતી નવી કાર આપવાનો આદેશ આપ્યો છે. જો આ સમયમર્યાદામાં નવી કાર આપવામાં નહીં આવે તો કંપનીએ કુલ રૂ. 20,50,494 ચૂકવવાના રહેશે. આ રકમ પર ચુકાદાની તારીખથી ચુકવણી થાય ત્યાં સુધી 7 ટકા વાર્ષિક વ્યાજ પણ લાગુ પડશે. ઉપરાંત ગ્રાહકને માનસિક ત્રાસ બદલ રૂ. 1 લાખ અને કેસ ખર્ચ તરીકે રૂ. 10 હજાર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

E20 પેટ્રોલ શું છે?

E20 પેટ્રોલ એટલે એવું ઇંધણ જેમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા સામાન્ય પેટ્રોલનું મિશ્રણ હોય છે. કેન્દ્ર સરકાર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને પેટ્રોલિયમ આયાતમાં ઘટાડો કરવા માટે સમગ્ર દેશમાં E20 પેટ્રોલનો ઉપયોગ વધારી રહી છે. જોકે, તમામ જૂના વાહનો અને એન્જિન E20 માટે સંપૂર્ણપણે અનુકૂળ નથી.

ગ્રાહકો માટે મહત્વનો સંદેશ

આ ચુકાદો દેશભરના વાહન ખરીદદારો માટે મહત્વપૂર્ણ છે. જો કોઈ કંપની વાહન વેચતી વખતે તેની ટેક્નિકલ ક્ષમતા, E20 સુસંગતતા અથવા અન્ય જરૂરી માહિતી જાહેર ન કરે, તો તે ગ્રાહક અધિકારોના ભંગ સમાન ગણાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે હવે ઓટોમોબાઇલ કંપનીઓએ E20 સપોર્ટ અંગે સ્પષ્ટ માહિતી આપવી પડશે અને ગ્રાહકો પણ નવી કાર ખરીદતા પહેલાં વાહન E20-સુસંગત છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ. આ નિર્ણય ભવિષ્યમાં E20 પેટ્રોલ સંબંધિત વિવાદોમાં મહત્વપૂર્ણ કાનૂની દાખલો બની શકે છે અને ગ્રાહક હિતોની સુરક્ષા માટે એક મજબૂત સંદેશ માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now