Home Gujarat E Bus Drivers Strike In Ekta Nagar

એકતા નગરમાં ઇ-બસ ડ્રાઇવરોની હડતાળ : બાહ્ય કંપનીઓ પર સ્થાનિક લોકોના શોષણનો ગંભીર આરોપ

એકતા નગરમાં ઇ-બસ ડ્રાઇવરોની હડતાળ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 08:53 AM IST

એકતા નગરમાં ઇ-બસ સેવાઓને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. એકતા નગર ખાતે ચાલતી 55 ઇ-બસોના કુલ 127 ડ્રાઇવરો છેલ્લા ચાર દિવસથી અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. જેથી સમગ્ર પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પરિણામે ખાસ કરીને ટ્રેન અને બસ મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇ-બસ ડ્રાઇવરોનું કહેવું છે કે લાંબા સમયથી પગારમાં વધારો, કામના કલાકો, રજા અને અન્ય સુવિધાઓ બાબતે રજૂ કરેલી માગણીઓ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનો ઉકેલ ન આવતાં અંતે ડ્રાઇવરોને હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે. ડ્રાઇવરોના અભાવને કારણે એકતા નગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાર્કિંગ ઝોન અને આસપાસના પ્રવાસન સ્થળો સુધીની ઇ-બસ સેવા લગભગ બંધ સમાન બની ગઈ છે.

હડતાળના કારણે પ્રવાસીઓએ ખાનગી વાહનો, ઓટો કે પગપાળા જવાની ફરજ પડી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દૂરથી આવેલા પ્રવાસીઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. અનેક પ્રવાસીઓએ વ્યવસ્થાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને સ્થાનિક પ્રશાસન પાસેથી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે.

ડ્રાઇવરો દ્વારા વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કર્મચારીઓની ભરતી કરતી બાહ્ય કંપનીઓ સ્થાનિક લોકોનું શોષણ કરી રહી છે. સ્થાનિકોને ઓછા પગાર અને અસુરક્ષિત કામની પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવતું હોવાનું તેઓ કહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now