Home Gujarat Dumper Wreck Near Kanthariya In Bharuch Taluka

ભરૂચ તાલુકાના કંથારીયા પાસે ડમ્પરનો કહેર : બેકાબૂ બનેલા ડમ્પરે એક પછી એક રીક્ષા, કાર અને મોપેડને મારી ટક્કર, 1 નું મોત, 5 થી વધુ ઈજાગ્રસ્ત

ભરૂચ તાલુકાના કંથારીયા પાસે ડમ્પરનો કહેર
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 11:50 AM IST

ભરૂચ તાલુકાના કંથારીયા નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બેકાબૂ બનેલા ડમ્પરે એક પછી એક રીક્ષા, કાર અને મોપેડને ટક્કર મારતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ભોલાવ સ્થિત ડેરા તલાવડી વિસ્તારમાં રહેતા અજય ગોવિંદ રાઠોડ પોતાની પત્ની સોનલ રાઠોડ અને સાસુ શારદા સંજય રાઠોડ સાથે રીક્ષા લઈને ભોલાવથી દેરોલ જઈ રહ્યા હતા. તે દરમિયાન કંથારીયા દલાલ સ્ટ્રીટ પાસે એક ડમ્પર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પહેલા મોપેડને ટક્કર મારી હતી. ત્યારબાદ ડમ્પરે રીક્ષા અને નજીકથી પસાર થતી કારને પણ ટક્કર મારી હતી.

ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા પલટી ગઈ હતી. રીક્ષામાં સવાર તમામ લોકોને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હતી. માર્ગ પર અચાનક સર્જાયેલા આ અકસ્માતને પગલે વાહન વ્યવહાર થોડીવાર માટે ખોરવાઈ ગયો હતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ મોપેડ ચાલક અરુણ અરવિંદ રાઠોડને તપાસ બાદ મૃત જાહેર કર્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.

અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now