Dollar Hegemony: દુનિયામાં આજે પણ ઘણા દેશો વચ્ચે અમેરિકન ડૉલરમાં વેપાર થાય છે. ઇતિહાસથી જ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અમેરિકન ડૉલરનો દબદબો અત્યાર સુધી રહ્યો છે, પરંતુ આગામી વર્ષોમાં આ ચિત્ર બદલાતું જોવા મળી શકે છે. એક તાજેતરના સર્વેમાં સામે આવ્યું છે કે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) પહેલીવાર પોતાના વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ)માં ડૉલરનો હિસ્સો ઘટાડવાની યોજના બનાવી રહી છે. આ સર્વે 'ઓફિશિયલ મોનેટરી એન્ડ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોરમ' (OMFIF) દ્વારા કરવામાં આવ્યો છે, અને તેના પરિણામો વૈશ્વિક ચલણ વ્યવસ્થામાં મોટા ફેરફાર તરફ ઈશારો કરી રહ્યા છે.
અત્યાર સુધી દુનિયાનો મોટાભાગનો વેપાર, ભલે તે ક્રૂડ ઓઇલની આયાત હોય કે અન્ય કોઈ વસ્તુની નિકાસ, ડૉલર દ્વારા જ થતો આવ્યો છે. આ જ કારણ છે કે ડૉલરને સૌથી ભરોસાપાત્ર અને સ્થિર ચલણ માનવામાં આવે છે. પરંતુ હવે પરિસ્થિતિ ધીમે-ધીમે બદલાઈ રહી છે. ઘણા દેશો સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે અને અમેરિકાની દબાણવાળી વિદેશ નીતિને લઈને પણ અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે.
શા માટે ડૉલર સાથે થઈ શકે છે ખેલ?
સર્વે મુજબ, સેન્ટ્રલ બેંકોને ડૉલરને લઈને ત્રણ મુખ્ય જોખમો દેખાઈ રહ્યા છે..
પહેલું કારણ: અમેરિકામાં રાજકીય અસ્થિરતા, જેણે ડૉલરની લાંબા ગાળાની મજબૂતી પર સવાલો ઊભા કર્યા છે.
બીજું કારણ: અમેરિકાના વિવિધ દેશો સાથે વધતા ભૂ-રાજકીય (જીઓપોલિટિકલ) તણાવ, જેની અસર ડૉલરના ભાવમાં ઉતાર-ચઢાવ તરીકે જોવા મળી છે, ખાસ કરીને તાજેતરના ઈરાન સંકટ દરમિયાન.
ત્રીજું કારણ: વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાનું બહુધ્રુવીય (મલ્ટિપોલર) થવું, એટલે કે હવે મોટાભાગના દેશો માત્ર એક જ ચલણ પર નિર્ભર રહેવાને બદલે અરસપરસ વિવિધ ચલણમાં લેણદેણને પ્રાથમિકતા આપી રહ્યા છે.
સુરતના કોસાડમાં વરસાદી પાણીનો કહેર : ગ્રેહમ આઇકનના બેઝમેન્ટમાં પાણી ભરાતા 25 જેટલા વાહનો ડૂબ્યા
ડૉલર નહીં તો વેપારનો વિકલ્પ શું હશે?
જો ડૉલરના સંભવિત વિકલ્પોની વાત કરીએ તો, સર્વેમાં સોનું, યુરો, બ્રિટિશ પાઉન્ડ, ચીની યુઆન, નોર્વેની ક્રોન અને ન્યુઝીલેન્ડ ડૉલરને મુખ્યતા આપવામાં આવી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે યુરો અને યુઆનની પોતાની મર્યાદાઓ છે, જેના કારણે તેઓ હજી ડૉલરનો સંપૂર્ણ વિકલ્પ બની શક્યા નથી.
ભારતને કેવી રીતે થશે ફાયદો?
જોકે, રિપોર્ટ એ પણ સ્પષ્ટ કરે છે કે ડૉલરનું વર્ચસ્વ અચાનક ખતમ થવાનું નથી. આંતરરાષ્ટ્રીય વેપાર અને સુરક્ષિત રોકાણ તરીકે તેની ભૂમિકા હજી પણ મજબૂત બનેલી છે. ભારતના પરિપ્રેક્ષ્યથી જોઈએ તો આ સર્વે ઘણી નવી સંભાવનાઓ ખોલે છે. ડૉલર પર નિર્ભરતા ઘટવાથી ભારત વૈશ્વિક વેપારમાં રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપી શકે છે, સાથે જ પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોના અને અન્ય ચલણનો હિસ્સો પણ વધારી શકે છે.





