દિવાળીનો ઉલ્લેખ થતા જ મનમાં દીવાઓની કતારો, ઝગમગતા બજારો અને મીઠાઈઓની સુગંધથી ભરપૂર દ્રશ્યો ઊભા થાય છે. આજનું ભારત આધુનિક રોશનીથી ચમકે છે, પરંતુ સદીઓ પહેલા, જ્યારે વીજળી અસ્તિત્વમાં નહોતી, ત્યારે પણ દિવાળી એ જ ઉત્સાહ અને ભવ્યતાથી ઉજવાતી હતી. ઇતિહાસકારોના મતે, આ તહેવારની ખુશ્બૂ એક સમયે મુઘલ દરબાર સુધી પણ પહોંચી હતી. ઇસ્લામિક પરંપરાઓનું પાલન કરતા મુઘલ સમ્રાટો પણ દિવાળીની રાત્રે પોતાના મહેલોમાં દીવાઓ પ્રગટાવતા હતા.
“જશ્ન-એ-ચિરાગહ”: પ્રકાશના તહેવારને મળ્યું શાહી સ્વરૂપ
સમય જતા દિવાળી માત્ર ધાર્મિક પ્રસંગ નહોતો રહ્યો, પરંતુ સાંસ્કૃતિક સહઅસ્તિત્વનું પ્રતીક બની ગયો. અકબરથી લઈ મુહમ્મદ શાહ સુધીના મુઘલ સમ્રાટોએ આ તહેવારને તેમની શાહી પરંપરાઓનો ભાગ બનાવી લીધો. મુઘલ યુગમાં દિવાળીને એક નવું નામ મળ્યું “જશ્ન-એ-ચિરાગહ”, એટલે કે “પ્રકાશનો તહેવાર”.
અકબરના દરબારમાં દિવાળીનો શાહી ઉત્સવ
મુઘલ સામ્રાજ્યનો સુવર્ણ યુગ ગણાતા અકબરના સમયમાં દિવાળીની ઉજવણી એક શાહી તહેવાર બની ગઈ હતી. ફતેહપુર સીકરી અને આગ્રા કિલ્લો દીવાઓની ઝળહળથી રોશન થઈ જતા. ઇતિહાસકાર અબુલ ફઝલ “આઈન-એ-અકબરી” માં લખે છે કે, અકબરે દિવાળી નિમિત્તે ખાસ દરબાર યોજતો, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને દરબારીઓ સાથે બેઠા રહેતા. મહેલમાં સંગીત, ભોજન અને ભવ્ય શણગારથી તહેવારની ઉજવણી થતી. બીરબલ અને જોધાબાઈ જેવી શખ્સિતો આ ઉજવણીના મુખ્ય આકર્ષણ હતા.
ફટાકડાઓનો આરંભ મુઘલ યુગમાં
દિવાળી સાથે ફટાકડાઓની ઉજવણી પણ મુઘલ કાળમાં જ શરૂ થઈ હતી. 18મી અને 19મી સદી દરમિયાન, બંગાળ અને અવધના નવાબો દિવાળી અને દુર્ગા પૂજા બંને તહેવારોને શાહી ઉત્સાહથી ઉજવતા અને વિશાળ ફટાકડા શો યોજતા. ઇતિહાસકાર ડૉ. કેથરિન બટલર સ્કોફિલ્ડના અનુસાર, 18મી સદી સુધીમાં ફટાકડા દિવાળીની પરંપરાનો ભાગ બની ગયા હતા.
ભલે કેટલાક ઉલેમાઓએ તેને બિન-ઇસ્લામિક ગણાવી વિરોધ વ્યક્ત કર્યો હોય, અકબરે દિવાળીને પ્રેમ, એકતા અને પ્રકાશનો તહેવાર માન્યો. તેમના માટે તે ધર્મ કરતાં વધુ માનવીય ભાવનાનું પ્રતીક હતું.
શાહજહાંના સમયમાં દિવાળીની ભવ્યતા શિખરે
શાહજહાંએ દિલ્હીને રાજધાની બનાવી અને લાલ કિલ્લાનો નિર્માણ કર્યો, જેના કારણે દિવાળીની ઉજવણી વધુ ભવ્ય બની ગઈ. કહેવાય છે કે તેમણે આકાશી દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ કરી હતી. લાલ કિલ્લાના 40 ગજ ઊંચા સ્તંભો પર વિશાળ દીવા પ્રગટાવવામાં આવતા, જેનો પ્રકાશ ચાંદની ચોક સુધી પહોંચતો. દરબારમાં સંગીત, કવિતા અને નૃત્યના કાર્યક્રમો યોજાતા, અને શાહજહાં પોતાના મહેલની બાલ્કનીમાંથી આ રોશનીનો આનંદ માણતા.
ઔરંગઝેબના સમયમાં ઉત્સવ પર સીમિતતા
ઔરંગઝેબના શાસનકાળમાં દિવાળીની ઉજવણી ઔપચારિક રહી. તેઓ આ તહેવારને હિન્દુ રાજાઓની પરંપરા માનતા હતા, છતાં જોધપુર અને જયપુરના રાજવી પરિવારો દર વર્ષે ભેટો મોકલતા અને પોતાના ઘરોમાં દીવા પ્રગટાવતા રહ્યા. આ રીતે, ભલે શાહી દરબારની ચમક ઘટી હોય, પણ પ્રજાના હૃદયમાં દિવાળીની રોશની કદી મંદ પડી નહીં.






