PM Modi: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સતત વધી રહેલા તણાવ અને સંઘર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એલર્ટ મોડ પર છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિની ભારત પર પડનારી સંભવિત અસરોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમર કસી છે. આવતીકાલે સાંજે PM મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે.
બેઠકનો મુખ્ય હેતુ અને એજન્ડા
આ ઉચ્ચ સ્તરીય બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે. બેઠકનો પ્રાથમિક ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને અસ્થિરતાના સંદર્ભમાં રાજ્યોની સજ્જતાની સમીક્ષા કરવાનો છે. આ દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિવિધ રાજ્યોના શ્રમિકોની સુરક્ષા અને જરૂર પડ્યે તેમના સ્થળાંતર (Evacuation) માટેની પ્લાનિંગ. સંકટના સમયે ઉભી થનારી કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે રાજ્યો પાસે શું પ્લાન છે તેની વિગતવાર અપડેટ મેળવવી. કાચા તેલના ભાવ અને સપ્લાય ચેઈન પર પડનારી અસરને ધ્યાનમાં રાખીને રાજ્યોની આર્થિક રણનીતિ પર ચર્ચા.
‘ટીમ ઇન્ડિયા’ની ભાવના પર ભાર
આ બેઠકમાં પ્રધાનમંત્રીનો મુખ્ય ભાર ‘ટીમ ઇન્ડિયા’ ની ભાવના પર રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે પરસ્પર તાલમેલ જળવાઈ રહે અને વિદેશી સંકટ સમયે સમગ્ર દેશ એકજૂથ થઈને કાર્ય કરે તે આ બેઠકનો મુખ્ય મકસદ છે. PM મોદી ઈચ્છે છે કે તમામ રાજ્યોના પ્રયાસોમાં એકરૂપતા હોય જેથી કોઈપણ પડકારને પહોંચી વળવામાં સરળતા રહે.
મિડલ ઈસ્ટ સંકટ શા માટે ચિંતાનો વિષય છે?
ભારત માટે પશ્ચિમ એશિયા વ્યૂહાત્મક અને આર્થિક રીતે અત્યંત મહત્વનું છે. લાખો ભારતીયો ત્યાં કાર્યરત છે અને ભારતની ઉર્જા સુરક્ષા (તેલ અને ગેસ) પણ આ ક્ષેત્ર પર નિર્ભર છે. આથી, ત્યાં વધતો તણાવ સીધી રીતે ભારતની આંતરિક વ્યવસ્થા પર અસર કરી શકે છે.





