Russia ammonium nitrate export ban: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવે વૈશ્વિક સપ્લાય ચેઈનને વેરવિખેર કરી નાખી છે. આ ભૌગોલિક રાજકીય સંકટ વચ્ચે ભારતના 'પરમ મિત્ર' ગણાતા રશિયાએ ભારતને એક પછી એક બે મોટા આર્થિક ઝટકા આપ્યા છે. રશિયાએ ખેતી માટે અનિવાર્ય એવા અમોનિયમ નાઈટ્રેટ (ખાતર) ની નિકાસ પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત, યુક્રેન યુદ્ધ બાદ અત્યાર સુધી ભારતને ક્રૂડ ઓઈલ પર મળતું જે મોટું ડિસ્કાઉન્ટ હતું, તે પણ રશિયાએ હવે નાબૂદ કરી દીધું છે.
રશિયાના આ કડક વલણને કારણે આગામી દિવસોમાં ભારતીય ખેતી અને અર્થતંત્ર પર દબાણ વધવાની શક્યતા છે. એક તરફ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાને કારણે LPG અને તેલની આયાત મુશ્કેલ બની છે, ત્યારે બીજી તરફ રશિયાએ કિંમતોમાં વધારો અને નિકાસ પર રોક લગાવીને ભારતની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઈંધણ અને ખાતર વિદેશથી મંગાવે છે, તેથી આ વૈશ્વિક ગતિવિધિઓની સીધી અસર ભારતીય બજાર અને મોંઘવારી પર જોવા મળી શકે છે.
ખાતરની અછત: ખેડૂતો માટે વાવણીના સમયે જ મોટું સંકટ
રશિયાએ પોતાની ઘરેલું માંગને પહોંચી વળવા માટે અમોનિયમ નાઈટ્રેટ (Ammonium Nitrate) ની નિકાસ પર એક મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ 21 માર્ચથી 21 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે. વિશ્વના અમોનિયમ નાઈટ્રેટના વેપાર પર રશિયા 40% જેટલું પ્રભુત્વ ધરાવે છે. વસંત ઋતુની વાવણીના સમયે જ આ નિર્ણય લેવાતા ખેતી ક્ષેત્રે ખાતરની અછત સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના 'એક્રોન' ફર્ટિલાઈઝર પ્લાન્ટને થયેલા નુકસાનને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે.
સસ્તું રશિયન તેલ હવે ઇતિહાસ: પ્રીમિયમ ચૂકવવાની નોબત
ભારતીય રિફાઇનરીઓ માટે અત્યાર સુધી રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવું એ મોટી રાહત હતી. જોકે, હવે રશિયાએ આ છૂટછાટ બંધ કરી દીધી છે. એપ્રિલ મહિના માટે ભારતે જે 60 મિલિયન બેરલ તેલનો ઓર્ડર આપ્યો છે, તેના પર હવે કોઈ ડિસ્કાઉન્ટ મળશે નહીં. ઉલટું, ભારતે હવે બ્રેન્ટ ક્રૂડ પર પ્રતિ બેરલ 4 થી 5 ડોલરનું વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડી રહ્યું છે. આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પરોક્ષ અસર પડી શકે છે.
હોર્મુઝ સંકટ અને LPG પુરવઠા પર અસર
ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેતા વૈશ્વિક એનર્જી માર્કેટમાં અફરાતફરી મચી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઈલ અને 60% LPG આ રસ્તા પરથી આયાત કરે છે. જોકે, ભારતની વિદેશ નીતિ અને ઈરાન સાથેની કુનેહપૂર્વકની વાતચીતને કારણે કેટલાક ભારતીય જહાજો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ હજુ પણ લાંબા ગાળાનું જોખમ તોળાઈ રહ્યું છે.





